Amreli News: સાવરકુંડલા યાર્ડમાં મગફળીની ઐતિહાસિક આવક, 50,000 મણથી વધુ માલની આવક

Amreli News: 50,000 મણ કરતાં વધુ મગફળીની આવક થતાં સમગ્ર યાર્ડ મગફળીથી છલોછલ ભરાઈ ગયું છે. ભારે આવકના કારણે નવા વાહનોમાંથી મગફળી ઉતારવા માટે પણ જગ્યા રહી નથી.
Kunjan Shukla
savarkundla apmc record peanut arrivalsavarkundla apmc record peanut arrival

savarkundla apmc record peanut arrival

Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. યાર્ડની 70 વર્ષની સ્થાપનાના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ દિવસમાં 50 હજાર મણ કરતાં વધુ મગફળીની આવક થતાં સમગ્ર યાર્ડ મગફળીથી છલોછલ ભરાઈ ગયું છે. ભારે આવકના કારણે નવા વાહનોમાંથી મગફળી ઉતારવા માટે પણ જગ્યા રહી નથી. પરિણામે યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને નવી સૂચના ન મળે ત્યાં સુધી મગફળીનો નવો માલ લઈને ન આવવા અપીલ કરી છે.

ખેડૂતોને સરકારના ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળતાં ખુશી

દિવાળીના તહેવારો અને રજાઓને કારણે ખેડૂતો પોતાની ખેતપેદાશ વેચવા મોટી સંખ્યામાં યાર્ડમાં પહોંચી રહ્યા છે. તહેવાર પહેલાં ખેતમજૂરોના પૈસા ચૂકવવા અને અન્ય આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવા ખેડૂતો મગફળી વેચવા ઉતાવળ કરી રહ્યા છે. તેના કારણે યાર્ડમાં ભારે ભરાવો જોવા મળી રહ્યો છે. યાર્ડમાં આગોતરા વાવેતરની મગફળીના ભાવ રૂપિયા 1,400થી 1,600 સુધી બોલાઈ રહ્યા છે, જ્યારે પાછોતરા વાવેતરની મગફળીના ભાવ રૂપિયા 1,200થી 1,400 સુધી મળી રહ્યા છે. સારી ગુણવત્તાની મગફળીના ભાવ રૂપિયા 1,500થી ઉપર પણ મળી રહ્યા છે. ખેડૂતોને સરકારના ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળતાં ખુશી જોવા મળી રહી છે.

આસપાસના વિસ્તારોમાંથી પણ ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યા છે

સાવરકુંડલા યાર્ડના ચેરમેન દીપક માલાણીએ જણાવ્યું હતું કે સારા ભાવ અને ઝડપી તોલમાપની કામગીરીને કારણે સાવરકુંડલા ઉપરાંત ઉના, કોડીનાર, મહુવા અને ગારિયાધાર સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યા છે. હાલ યાર્ડના ગ્રાઉન્ડમાં 50,000 મણથી વધુ મગફળીનો જથ્થો હોવાથી નવી આવક માટે જગ્યા ઉપલબ્ધ નથી. તેથી યાર્ડ દ્વારા ખેડૂતોને નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મગફળી લઈને ન આવવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Junagadh News: જૂનાગઢના અંબાપુશી ડેમના પાણીનો વેડફાટ રોકવા ખેડૂતોની કલેક્ટર અને DDO સમક્ષ રજૂઆત