FOKIA GST Reforms: કચ્છના ઉદ્યોગોને GSTમાં રાહત આપવા ફોકિઆની CBIC સમક્ષ રજૂઆત


FOKIA GST Reforms
FOKIA GST Reforms: કચ્છના ઉદ્યોગોને GSTમાં રાહત આપવા ફોકિઆની CBIC સમક્ષ રજૂઆત


FOKIA GST Reforms
FOKIA GST Reforms: જીએસટીના નવા સુધારાઓના અમલીકરણમાં કચ્છના ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને વિવિધ જોગવાઈઓ અંગે સ્પષ્ટતા મેળવવા ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (ફોકિઆ) દ્વારા CBIC સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદની મુલાકાતે આવેલા CBICના ચેરમેન વિવેક ચતુર્વેદી સાથેની બેઠકમાં ફોકિઆએ રિફંડ, ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC), નિકાસકારો, ઈ-વે બિલ અને નોંધણી સહિતના મુદ્દાઓ પર ઉદ્યોગોના સૂચનો રજૂ કર્યા હતા.
કચ્છમાં મોટા ઉદ્યોગો ઉપરાંત MSME એકમો કાર્યરત
ફોકિઆના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકે દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું હતું કે કચ્છમાં સિરામિક્સ, સિમેન્ટ, મીઠું, ટેક્સટાઇલ, વીજળી અને બંદર આધારિત મોટા ઉદ્યોગો ઉપરાંત MSME એકમો કાર્યરત છે. કંડલા અને મુન્દ્રા બંદરો પર આધારિત વ્યવસાયોને જીએસટીના નિયમોમાં સ્પષ્ટતા અને સરળતાની જરૂર છે. ફોકિઆએ જીએસટી નોંધણી પ્રક્રિયામાં નિર્ધારિત દસ્તાવેજો સિવાય વધારાના દસ્તાવેજો ન માગવા, 15 દિવસમાં ફેરફારની અરજીનો નિર્ણય ન લેવાય તો મંજૂરી અંગે સ્પષ્ટતા કરવા અને રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયામાં ઉદ્યોગોને બિનજરૂરી મુશ્કેલી ન પડે તેવી માગ કરી છે.
સિંગલ વિન્ડો વ્યવસ્થા ઊભી કરવાની ભલામણ કરવામાં આવી
નિકાસકારોના રિફંડમાં ICEGATE, EDPMS અને SEZ Online સિસ્ટમના જોડાણને કારણે થતી સમસ્યાઓ દૂર કરવા કસ્ટમ્સ અને જીએસટી અધિકારીઓની સંયુક્ત સિંગલ વિન્ડો વ્યવસ્થા ઊભી કરવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ આધાર આધારિત ઓથેન્ટિકેશનમાં ટેકનિકલ સમસ્યા સર્જાય તો વૈકલ્પિક વ્યવસ્થા આપવા અને પેન્ડિંગ રિફંડ દાવાઓને રાહત આપવાની માગ કરાઈ છે. મોટા મૂડીરોકાણ ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ITC રિફંડની નવી જોગવાઈઓમાં જૂના ITC બેલેન્સનો ઉપયોગ કરવાની એક વખતની તક આપવા પણ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત પાઈપલાઈન્સ, આઉટડોર કેટરિંગ, વીમા અને અન્ય બ્લોક્ડ ક્રેડિટ અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે.
ઈ-વે બિલ, વાહન અટકાવવાની કાર્યવાહી, HSNની નાની ભૂલો માટે પ્રમાણસર દંડ અને SEZ સંબંધિત નિયમોમાં પણ સરળતા લાવવાની માગ કરવામાં આવી છે. ફોકિઆએ નવા નિયમોના અમલ પહેલાં ઉદ્યોગો પાસેથી ઓછામાં ઓછા 30 દિવસ સુધી સૂચનો મગાવવા અને પેન્ડિંગ કેસોમાં રાહત આપવા વિનંતી કરી છે. GST પહેલાંના વિવાદોના ઉકેલ માટે 'વિવાદ સે વિશ્વાસ' જેવી યોજના લાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. સાથે જ કચ્છમાં CBIC અધિકારીઓ સાથે બેઠક યોજવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: Gandhinagar News: મીઠાઈ-ફરસાણની દુકાનો પર મનપાની તવાઈ, 41 પેઢીઓમાં કરાઈ તપાસ





