Amreli News: જાફરાબાદમાં ઓનલાઈન છેતરપિંડીનો બનાવ, એક વ્યક્તિએ રૂપિયા 70,000 ગુમાવ્યા


સ્કેનર મારફતે 70,000ની છેતરપિંડી આચરી
Amreli News: જાફરાબાદમાં ઓનલાઈન છેતરપિંડીનો બનાવ, એક વ્યક્તિએ રૂપિયા 70,000 ગુમાવ્યા


સ્કેનર મારફતે 70,000ની છેતરપિંડી આચરી
Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ઓનલાઈન છેતરપિંડીનો એક બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે પોતે અમુલ બોલતો હોવાનું જણાવી એક વ્યક્તિને વિશ્વાસમાં લઈને રૂપિયા 70,000ની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હોવાનું કહી આરોપીએ ફરિયાદી પાસેથી અલગ-અલગ રીતે નાણાં પડાવ્યા હતા. ત્યારબાદ પૈસા પરત આપ્યા વગર મોબાઈલ ફોન બંધ કરી આરોપી ગાયબ થઈ ગયો હતો.
ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવ્યા
મળતી માહિતી મુજબ, જાફરાબાદના કૈલાસભાઈ બાંભણિયાનો સંપર્ક એક અજાણ્યા શખ્સે કર્યો હતો. આ શખ્સે પોતાની ઓળખ અમુલ તરીકે આપી હતી. ત્યારબાદ દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હોવાનું જણાવી કૈલાસભાઈનો વિશ્વાસ જીત્યો હતો. વિશ્વાસમાં લીધા બાદ આરોપીએ પૈસા જમા થઈ ગયા હોવાના ખોટા મેસેજ મોકલી ફરિયાદીને ભોળવ્યા હતા. આરોપીએ ત્યારબાદ ફરિયાદીને એક સ્કેનર મોકલ્યું હતું અને તેના માધ્યમથી નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 70,000 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જોકે, નાણાં મેળવ્યા બાદ આરોપીએ પૈસા પરત આપ્યા નહોતા. વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં આરોપીનો મોબાઈલ ફોન બંધ આવતાં છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું.
જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
આ સમગ્ર મામલે કૈલાસભાઈ બાંભણિયાએ જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં જાફરાબાદ મરીન પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. ગોહિલ દ્વારા આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. ઓનલાઈન નાણાકીય વ્યવહારો દરમિયાન અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મોકલવામાં આવતા સ્કેનર અને મેસેજ અંગે સાવચેત રહેવાની જરૂરિયાત આ બનાવ ફરી એકવાર દર્શાવે છે.




