Kheda News: ખેડા શિક્ષણ વિભાગના પરિપત્રથી વિવાદ, RTE વિદ્યાર્થીઓ માટે SBI અને BOBમાં જ ખાતું ફરજિયાત કરતાં વાલીઓમાં નારાજગી

Kheda News: ખેડા શિક્ષણ વિભાગે RTE વિદ્યાર્થીઓની સહાય માટે SBI અને BOBમાં જ ખાતું ફરજિયાત કરતાં વાલીઓમાં નારાજગી અને વિવાદ ઊભો થયો છે.
Kunjan Shukal
Kunjan Shukal
ખેડા શિક્ષણ વિભાગના પરિપત્રથી વિવાદખેડા શિક્ષણ વિભાગના પરિપત્રથી વિવાદ

ખેડા શિક્ષણ વિભાગના પરિપત્રથી વિવાદ

Kheda News: ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓની સહાય માટે જાહેર કરાયેલા પરિપત્રને લઈને વિવાદ ઊભો થયો છે. વિદ્યાર્થીઓના બેન્ક ખાતા માત્ર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અથવા બેન્ક ઓફ બરોડા (BOB)માં જ હોય તો સહાય માટે સ્વીકારવામાં આવશે તેવી સૂચનાને પગલે વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના RTE વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ પરિપત્ર મુશ્કેલીરૂપ બન્યો હોવાની ફરિયાદ ઉઠી છે.

નવું ખાતું ખોલાવવાની ફરજ શા માટે પાડવામાં આવી રહી છે?

મળતી માહિતી મુજબ, RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી આર્થિક સહાયની રકમ તેમના વાલીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. જોકે, શિક્ષણ વિભાગના નવા પરિપત્રમાં માત્ર SBI અને BOB બેન્કના ખાતા જ માન્ય ગણવાની સૂચના આપવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ નિર્ણય સામે સવાલો ઊઠી રહ્યા છે કે જ્યારે વિદ્યાર્થીઓના વાલીઓના અન્ય બેન્કોમાં પહેલેથી જ ખાતા ઉપલબ્ધ છે અને અગાઉ તે ખાતામાં સહાયની રકમ જમા થતી હતી, ત્યારે નવું ખાતું ખોલાવવાની ફરજ શા માટે પાડવામાં આવી રહી છે?

ગરીબ પરિવારો પર વધારાનો આર્થિક બોજ પડશે

RTE હેઠળના ગરીબ વિદ્યાર્થીઓને અંદાજે રૂપિયા 2,500થી 3,000 જેટલી સહાય મળતી હોય ત્યારે નવું બેન્ક ખાતું ખોલાવવા માટે અંદાજે રૂપિયા 1,000 સુધીનો ખર્ચ કરવો પડે તો ગરીબ પરિવારો પર વધારાનો આર્થિક બોજ પડશે. સહાય મેળવવા માટે જ વાલીઓએ નવું ખાતું ખોલાવવું પડે તે કેટલું યોગ્ય છે, તેવો સવાલ પણ વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ, વિભાગના આ નિર્ણયને પોતાની કામગીરી સરળ બનાવવા માટે ગરીબ પરિવારોને મુશ્કેલીમાં મૂકતી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. વાલીઓની માગ છે કે જે બેન્કમાં તેમના ખાતા પહેલેથી જ છે, તે ખાતામાં જ સહાયની રકમ જમા કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ વિવાદિત પરિપત્ર અંગે પુનર્વિચાર કરીને RTEના ગરીબ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને રાહત આપશે કે કેમ?

આ પણ વાંચો: Vadodara News: દીપાપુરા-ગુતરડીને જોડતો ગોમાં નદીનો કોઝવે જર્જરિત, ગ્રામજનોની હાલાકી