Ahmedabadને રૂ.583.85 કરોડના વિકાસકાર્યોની ભેટ, 24 સપ્ટેમ્બરે CM ભૂપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત



Ahmedabad Development Projects 2026
Ahmedabadને રૂ.583.85 કરોડના વિકાસકાર્યોની ભેટ, 24 સપ્ટેમ્બરે CM ભૂપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત



Ahmedabad Development Projects 2026
Ahmedabad Development Projects 2026: ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત અમદાવાદમાં રૂ.583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા આવાસોના ડ્રો અને નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 ગૌરવવંતાં વર્ષ નિમિત્તે આયોજિત ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત અમદાવાદ શહેરમાં અંદાજિત રૂ.545 કરોડના ખર્ચે હાથ ધરાયેલા વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત, આવાસોના ડ્રો તેમજ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ તા.24 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 9:50 કલાકે બોડકદેવ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ ખાતે યોજાશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ વિકાસલક્ષી કામગીરીનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીઓને આવાસ સંબંધિત લાભ તેમજ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે.
આ પ્રસંગે અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટ તેમજ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્યશ્રી જગદીશ વિશ્વકર્મા સહિત પ્રજાપ્રતિનિધિશ્રીઓ, અધિકારીઓ તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત તા. 24 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં વિવિધ પ્રજાલક્ષી અને જનભાગીદારીના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત સવારે 9:30 કલાકે વાડજ ફ્લાયઓવર ઓવરબ્રિજનું લોકાર્પણ વેલકમ હોટલ સામે, આગાખાનની ગલી પાસે, વાડજ ખાતે યોજાશે. ત્યારબાદ,‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સવારે 10:45 કલાકે ઘુમા ગામ, અમદાવાદ ખાતે સઘન સફાઈ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સવારે 11:00 કલાકે ઘુમા ખાતે આવેલી એમ.કે. પટેલ અનુપમ પ્રાથમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ચિત્ર સ્પર્ધા દ્વારા સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને જનભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
અમદાવાદમાં 12 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
રૂ.279.80 કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં 6 કામના લોકાર્પણ
વાડજ જંકશન – ફોર લેન ફ્લાયઓવર બ્રિજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના વાડજ જંકશન ઉપર AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અંદાજિત રૂ. 127.92 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ફોર લેન (2×2) ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.
વેજલપુર – ફોર લેન રેલવે ઓવરબ્રિજ
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં LC-24 અમદાવાદ-બોટાદ રેલવે લાઈન ઉપર અંદાજિત રૂ. 98.60 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા રાફોર લેન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.
થલતેજ – 329 EWS આવાસો
TP-39 થલતેજ, ફાઈનલ પ્લોટ નં. 59 ખાતે પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત 1,190 EWS આવાસોમાંથી અંદાજિત રૂ. 22.24 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 329 EWS આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
અમદાવાદ – 15 ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ (FRV)
અમદાવાદના ફાયર સ્ટેશનો માટે અંદાજિત રૂ. 19.74 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 15 નંગ ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલની ખરીદી કરી પ્રજાલક્ષી કાર્યોમાં ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાની કામગીરી કરવામાં આવશે.
અમદાવાદ – 10 બોટ વિથ એન્જિન
ફાયર સ્ટેશનો માટે અંદાજિત રૂ. 3.40 કરોડના ખર્ચે બનાવાયેલ 10 નંગ બોટ વિથ એન્જિનની ખરીદી કરી પ્રજાલક્ષી ઈમરજન્સી કામગીરી માટે ઉપયોગમાં લેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
શાહીબાગ – 108 આવાસો + 46 દુકાનોનું પુનઃવસન
TP સ્કીમ નં. 14 (શાહીબાગ), ફાઈનલ પ્લોટ નં. 157 ખાતે ‘પખાજીનો કૂવો’ નામે જાહેર થયેલી ઝૂંપડપટ્ટીઓનું હયાત સ્થળે અંદાજિત રૂ. 7.90 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ 108 આવાસો અને 46 દુકાનોનું પુનઃવસનની કામગીરી કરાશે.
રૂ. 304.05 કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં 6 કામના ખાતમુહૂર્ત
રામાપીર ટેકરા – રોડ નેટવર્ક
પશ્ચિમ ઝોનના સ્ટેડિયમ વોર્ડમાં રામાપીર ટેકરા L.A.P. વિસ્તારમાં અંદાજિત રૂ. 72.78 કરોડના ખર્ચે રોડ નેટવર્ક વિકસાવવાનું કામ કરવામાં આવશે.
અમરાઈવાડી – 1800 મીમી ડ્રેનેજ લાઈનનું રિહેબિલિટેશન
દક્ષિણ ઝોનમાં નાગરવેલ હનુમાન મંદિરથી ગુરુજી બ્રિજ સુધીની 1800 મીમી વ્યાસની અંદાજિત રૂ. 65.51 કરોડના ખર્ચે હયાત ડ્રેનેજ લાઈનનું રિહેબિલિટેશન કરવાનું કામ કરવામાં આવશે.
વટવા – નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને રાઈઝિંગ લાઈન
નવાણા ખાતે અંદાજિત રૂ. 61.81 કરોડના ખર્ચે નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન તથા રાઈઝિંગ લાઈન નાખવાનું કામ કરાશે.
નિકોલ – AMTS/BRTS બસ ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ
પૂર્વ ઝોનના TP-110 (નિકોલ-કઠવાડા), ફાઈનલ પ્લોટ નં. 95+96 ખાતે અંદાજિત રૂ. 61.89 કરોડના ખર્ચે AMTS તથા BRTS બસોના ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ માટે પ્લોટ ડેવલપમેન્ટ કરવાનું કામ કરાશે.
ત્રાગડ – બસ ડેપો/ટર્મિનસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ઉત્તર પશ્ચિમ ઝોનમાં દ્વારકેશ ઓપ્યુલન્સ ક્લેટની સામે, નોબો રેસ્ટોરન્ટ, એસ.પી. રિંગ રોડ સામે આવેલા 19,896 ચો.મી.ના પ્લોટમાં બસોના પાર્કિંગ તથા ચાર્જિંગ સ્ટેશન માટે અંદાજિત રૂ. 28.08 કરોડના ખર્ચે ડેપો/ટર્મિનસ બનાવવા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું કામ કરાશે.
સાબરમતી નદી પૂર્વ કિનારો – ટુરિઝમ ટેમ્પલ સર્કિટ
AMC હેરિટેજ વિભાગ દ્વારા સાબરમતી નદીના પૂર્વ કિનારે સપ્તઋષિ આશ્રમથી જગન્નાથ મંદિર થઈ અટલઘાટ સુધીના માર્ગને અંદાજિત રૂ. 13.98 કરોડના ખર્ચે ટુરિઝમ ટેમ્પલ સર્કિટ તરીકે વિકસાવવાનું કામ કરવામાં આવશે.
આ વિવિધ કાર્યક્રમોમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો તથા પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદશ્રીઓ હસમુખભાઈ પટેલ તથા શ્રી દિનેશભાઈ મકવાણા, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની, ડે.મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, દંડકશ્રી અતુલ મિશ્રા, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ સહિત કોર્પોરેશનના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોને વધુ સુવિધાસભર, સુવ્યવસ્થિત અને સુદ્રઢ શહેરી માળખું ઉપલબ્ધ કરાવવા વિવિધ ક્ષેત્રોમાં વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમો દ્વારા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, સ્વચ્છતા, માનવ સંસાધન અને નાગરિકલક્ષી સુવિધાઓ સાથે સંકળાયેલી કામગીરીને વધુ ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસલક્ષી કામગીરીનો સીધો લાભ અમદાવાદ શહેરના નાગરિકોને મળી રહે તે દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત કાર્યરત છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





