HYROX Ahmedabad 2026: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય HYROX સ્પર્ધાનો પ્રારંભ, 46 દેશના 6,000થી વધુ એથ્લેટ્સ લેશે ભાગ

HYROX Ahmedabad 2026: ગાંધીનગરમાં HYROX અમદાવાદનો પ્રારંભ થયો. ત્રણ દિવસીય સ્પર્ધામાં 46 દેશોના 250થી વધુ વિદેશી ખેલાડીઓ સહિત 6,000થી વધુ એથ્લેટ્સ ભાગ લેશે.
Kunjan Shukal
Kunjan Shukal
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય HYROX સ્પર્ધાનો પ્રારંભઅમદાવાદમાં આંતરરાષ્ટ્રીય HYROX સ્પર્ધાનો પ્રારંભ

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય HYROX સ્પર્ધાનો પ્રારંભ

HYROX Ahmedabad 2026: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય રમતગમત અને ફિટનેસ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વખત વિશાળ સ્તરે HYROX અમદાવાદ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 26 નવેમ્બરના રોજ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ આંતરરાષ્ટ્રીય ફિટનેસ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું. 26થી 28 નવેમ્બર દરમિયાન યોજાનારા આ ત્રણ દિવસીય ફિટનેસ મહોત્સવમાં 6,000થી વધુ એથ્લેટ્સ ભાગ લેશે.

View post on Instagram

250થી વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો રમતનું કૌશલ્ય દર્શાવશે

આ સ્પર્ધામાં ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાંથી અંદાજે 3,000 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. જ્યારે 46 દેશોમાંથી 250થી વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો પણ પોતાની રમતનું કૌશલ્ય દર્શાવશે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ ઈવેન્ટમાં અંદાજે 8,000 દર્શકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માત્ર સ્પર્ધાનું ઉદ્ઘાટન જ નહીં, પરંતુ પોતે પણ એથ્લેટ્સ સાથે ટ્રેક પર દોડ લગાવી હતી. આ ઉપરાંત તેમણે HYROXના વિવિધ ફંક્શનલ વર્કઆઉટ સ્ટેશનો પર કસરત કરીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે સ્પર્ધકો અને દર્શકો સાથે સંવાદ પણ કર્યો હતો.

સ્પર્ધાઓથી વિશિષ્ટ સ્પોર્ટ્સ ટુરિઝમને પણ વેગ મળશે

DyCM હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આટલા મોટા સ્તરે આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાનું આયોજન એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ આયોજન ભવિષ્યમાં રાજ્યમાં મોટી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓની યજમાની માટે ગુજરાતને તૈયાર કરવામાં નિર્ણાયક સાબિત થશે. સાથે જ આવી સ્પર્ધાઓથી વિશિષ્ટ સ્પોર્ટ્સ ટુરિઝમને પણ વેગ મળશે. આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા ખેલાડીઓ અને પ્રતિનિધિઓ ગુજરાતનાં વિવિધ પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે. જેમાં ધરોઈ, પોલો ફોરેસ્ટ, સોમનાથ અને કચ્છનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે HYROX એક વૈશ્વિક ઇન્ડોર ફિટનેસ સ્પર્ધા છે, જેમાં દોડ અને વિવિધ ફંક્શનલ સ્ટ્રેન્થ વર્કઆઉટ્સનો સમાવેશ થાય છે. આ આયોજનથી ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની સાથે પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળવાની આશા છે.

આ પણ વાંચો: Sabardairy News: સાબરડેરીની બેઠકમાં દૂધના ભાવ વધારા અંગે ચર્ચા, પશુદાણના ભાવ હાલ નહીં ઘટે