Sabardairy News: સાબરડેરીની બેઠકમાં દૂધના ભાવ વધારા અંગે ચર્ચા, પશુદાણના ભાવ હાલ નહીં ઘટે


પશુદાણના ભાવ હાલ નહીં ઘટે
Sabardairy News: સાબરડેરીની બેઠકમાં દૂધના ભાવ વધારા અંગે ચર્ચા, પશુદાણના ભાવ હાલ નહીં ઘટે


પશુદાણના ભાવ હાલ નહીં ઘટે
Sabardairy News: સાબરડેરીના પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાબરડેરીની નિયામક મંડળની બેઠકમાં દૂધના ખરીદ ભાવમાં વધારો અને પશુદાણના ભાવ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. અન્ય દૂધ સંઘોના ભાવની સરખામણી કર્યા બાદ પશુપાલકોને યોગ્ય ભાવ મળે તે દિશામાં આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, હાલ પશુદાણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા ન હોવાનું સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું છે.
વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી
સાબરડેરીની મળેલી નિયામક મંડળની બેઠકમાં પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને દૂધના ખરીદ ભાવ વધારવા અંગે અન્ય દૂધ સંઘો દ્વારા ચૂકવવામાં આવતા ભાવની સરખામણી કરવામાં આવી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે અન્ય દૂધ સંઘો જ્યારે દૂધના ખરીદ ભાવમાં વધારો કરશે ત્યારે સાબરડેરી પણ તે મુજબ ભાવ વધારવા અંગે નિર્ણય લેશે. એટલે કે અન્ય સંઘોના ભાવ અને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને પશુપાલકોને યોગ્ય વળતર આપવાની નીતિ અપનાવવામાં આવશે.
પશુદાણનું ઉત્પાદન 'નો પ્રોફિટ, નો લોસ'ના ધોરણે
બીજી તરફ પશુદાણના ભાવ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. સાબરડેરીના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, પશુદાણ બનાવવામાં ઉપયોગમાં લેવાતા કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ડીઓઆરબી, મકાઈ સહિતના કાચા માલ મોંઘા થતાં ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. હાલ સાબરડેરી પશુદાણનું ઉત્પાદન 'નો પ્રોફિટ, નો લોસ'ના ધોરણે કરી રહી છે. એટલું જ નહીં, કેટલીક ખોટ સહન કરીને પણ પશુપાલકોને પશુદાણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેથી હાલના તબક્કે પશુદાણના ભાવ ઘટાડવાની શક્યતા નથી.
જોકે, ભવિષ્યમાં કાચા માલના ભાવમાં ઘટાડો થશે તો પશુદાણના ભાવ ઘટાડવા અંગે વિચારણા કરવામાં આવશે. પશુપાલકોને ઉચ્ચ ગુણવત્તાનું પશુદાણ મળી રહે તે માટે સાબરડેરી પ્રયત્નશીલ હોવાનું પણ જણાવાયું છે. આમ, દૂધના ભાવ વધારા માટે અન્ય સંઘોની નીતિ પર નજર રાખવામાં આવશે, જ્યારે પશુદાણના ભાવમાં ઘટાડા માટે કાચા માલના ભાવ ઘટવાની રાહ જોવી પડશે.




