Diwali Bonus Scam: સાવધાન! દિવાળી પર રૂપિયા 8,000 બોનસ આપવાનો મેસેજ ફેક, APK લિંકથી મોબાઇલ હેક કરવાનો સાયબર ગઠિયાઓનો પ્રયાસ


Cyber Fraud Diwali Bonus Scam
Diwali Bonus Scam: સાવધાન! દિવાળી પર રૂપિયા 8,000 બોનસ આપવાનો મેસેજ ફેક, APK લિંકથી મોબાઇલ હેક કરવાનો સાયબર ગઠિયાઓનો પ્રયાસ


Cyber Fraud Diwali Bonus Scam
Diwali Bonus Scam: દિવાળીના તહેવાર વચ્ચે સાયબર ઠગોએ લોકો સાથે છેતરપિંડી કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. સોશિયલ મીડિયા અને મોબાઈલ પર રૂપિયા 8,000 દિવાળી બોનસ આપવાના નામે ફેક મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં પ્રધાનમંત્રીની યોજના હેઠળ લોકોને રૂપિયા 8,000નું બોનસ મળશે તેવો દાવો કરવામાં આવે છે. જોકે, સાયબર ક્રાઈમ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ સત્તાવાર યોજના જાહેર કરવામાં આવી નથી. આથી લોકોએ આવા મેસેજથી સાવચેત રહેવાની જરૂર છે.
લિંક પર ક્લિક કરતાં અલગ-અલગ પેજ ખુલે છે
અમદાવાદ સાયબર ક્રાઈમના DCP IPS લવિના સિન્હાના જણાવ્યા મુજબ, આ પ્રકારના ફેક મેસેજ હિન્દી, ગુજરાતી, બંગાળી અને દક્ષિણ ભારતીય ભાષાઓમાં ફેલાવવામાં આવી રહ્યા છે. મેસેજમાં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરતાં અલગ-અલગ પેજ ખુલે છે, જેમાં અરજી ભરવા અને લાભાર્થી યાદીમાં નામ ઉમેરવાના બહાને માહિતી માગવામાં આવે છે. ત્યારબાદ મોબાઈલમાં APK ફાઈલ ડાઉનલોડ કરાવવામાં આવે છે. કેટલીક વખત આ એપ્લિકેશન ગેમિંગ અથવા રમી એપના નામે પણ મોકલવામાં આવે છે. આવી APK ફાઈલ દ્વારા સાયબર ગુનેગારો મોબાઈલ, વોટ્સએપ, ટેલિગ્રામ અને બેન્કિંગ સંબંધિત વિગતો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. પોલીસને ટેક્નિકલ સર્વેલન્સ દરમિયાન આ ગતિવિધિની જાણ થઈ હતી. ગયા અઠવાડિયે આ મામલો ધ્યાનમાં આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, આ ચોક્કસ છેતરપિંડીમાં અત્યાર સુધી ગુજરાત સાયબર ક્રાઇમ પાસે કોઈ ભોગ બનનારની ફરિયાદ આવી નથી.
સાયબર ક્રાઈમ વિભાગની અપીલ
પોલીસે નાગરિકોને અજાણી લિંક પર ક્લિક નહીં કરવા અને મેસેજ દ્વારા મળતી APK ફાઈલ ડાઉનલોડ નહીં કરવાની સલાહ આપી છે. સરકારી યોજનાઓની ખરાઈ સત્તાવાર વેબસાઈટ અથવા સંબંધિત વિભાગ પાસેથી જ કરવી. એપ્લિકેશન હંમેશાં Google Play Store અથવા Apple App Store પરથી જ ડાઉનલોડ કરવી. જો કોઈ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી.




