Get News Alerts

Never miss breaking news updates.

Ramol Firing Case : મિલકતના વિવાદ મામલે એક ભાઈએ બીજા ભાઈ પર કર્યું ફાયરિંગ, પોલીસે 2 આરોપીઓની કરી અટકાયત

Ramol Firing Case : અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં વડીલોપાર્જિત મિલકતના હક-હિસ્સાની વહેંચણીને લઈને ત્રણ ભાઈઓ વચ્ચે ચાલી રહેલા મનદુઃખનો ગંભીર બનાવ સામે આવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 15 Sep 2026 05:14 PM IST
Ramol Firing Case : મિલકતના વિવાદ મામલે એક ભાઈએ બીજા ભાઈ પર કર્યું ફાયરિંગ, પોલીસે 2 આરોપીઓની કરી અટકાયતRamol Firing Case : મિલકતના વિવાદ મામલે એક ભાઈએ બીજા ભાઈ પર કર્યું ફાયરિંગ, પોલીસે 2 આરોપીઓની કરી અટકાયત

Ramol Firing Case : અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં વડીલોપાર્જિત મિલકતના હક-હિસ્સાની વહેંચણીને લઈને ત્રણ ભાઈઓ વચ્ચે ચાલી રહેલા મનદુઃખનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સમાધાન માટે ભેગા થયેલા ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થયા બાદ એક ભાઈએ લાયસન્સી 12 બોરની બંદૂકથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા અન્ય ભાઈને પગના ભાગે ઈજા પહોંચી હતી.

વાતચીત દરમિયાન મામલો વણસ્યો

મળતી માહિતી મુજબ, ઓઢવના અમિતનગર તેમજ રામોલ વિસ્તારમાં આવેલી વડીલોપાર્જિત મિલકત આશિષભાઈના નામે કરવામાં આવી હોવાના મુદ્દે ત્રણ ભાઈઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. મિલકતના ભાગલા અને પોતાના હક-હિસ્સાને લઈને તેઓ વચ્ચે અવારનવાર મનદુઃખ થતું હોવાનું સામે આવ્યું છે. વિવાદનું સમાધાન લાવવા માટે ભાઈઓ એકઠા થયા હતા. જોકે, વાતચીત દરમિયાન મામલો વણસ્યો હતો અને ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી.

શું ઘટનામાં છે અન્ય કોઈની સંડોવણી?

આ દરમિયાન પ્રમોદ રામપ્રસાદ પ્રજાપતિએ પોતાની લાયસન્સી 12 બોરની ગનથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં રાજેશભાઈ પ્રજાપતિના પગના ભાગે ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત રાજેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણ થતાં રામોલ પોલીસે તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે પ્રમોદ રામપ્રસાદ પ્રજાપતિ અને પવન રામપ્રસાદ પ્રજાપતિના નામ સામે આવ્યા છે. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ BSFમાં લાન્સ નાયક તરીકે ફરજ બજાવે છે. પોલીસે ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી લાયસન્સી બંદૂક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. મિલકતના વિવાદમાં ફાયરિંગ સુધી મામલો કેવી રીતે પહોંચ્યો અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ambaji Bhadarvi Poonam Mela: 40 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદ તૈયાર થશે! 3.25 લાખ કિલો પ્રસાદ બનાવવા આજથી શરૂ થઈ કામગીરી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.