Rajkot માં ‘ડિજિટલ એરેસ્ટ’નો ખતરનાક ખેલ, પોલીસની સતર્કતાથી વૃદ્ધ દંપતી બચ્યું



Rajkot Cyber Crime
Rajkot માં ‘ડિજિટલ એરેસ્ટ’નો ખતરનાક ખેલ, પોલીસની સતર્કતાથી વૃદ્ધ દંપતી બચ્યું



Rajkot Cyber Crime
Rajkot : આ વખતે વૃદ્ધ દંપતીની સમજદારી અને રાજકોટ પોલીસની ત્વરિત કાર્યવાહીથી મોટી સાયબર છેતરપિંડી થતાં પહેલાં જ અટકાવી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સાયબર ગઠિયાઓએ રાત્રિના 2:40 વાગ્યે વૃદ્ધ દંપતીને ફોન કર્યો હતો.
ફોન કરનારાઓએ પોતાને TRAI અને EDના અધિકારીઓ તરીકે ઓળખાવ્યા હતા. ત્યારબાદ દંપતીને ડરાવી-ધમકાવી તેમના બેન્ક ખાતામાં રૂ.2 કરોડના ફ્રોડ સાથે જોડાયેલી રકમ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સાયબર ગઠિયાઓએ દંપતીને જણાવ્યું હતું કે તેમના બેન્ક ખાતામાંથી રૂ.25 લાખ ટ્રાન્સફર થયા હોવાની માહિતી સામે આવી છે. આ વાતથી વૃદ્ધ દંપતીને ગભરાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ દંપતીને સતત સર્વેલન્સમાં રાખવાની વાત કરી અને ‘ડિજિટલ એરેસ્ટ’ કરવાની ધમકી આપી હતી.
ઠગ દ્વારા માનસિક દબાણ કરવામાં આવતું હતું
આ ધમકીના કારણે વૃદ્ધ દંપતી લગભગ ચાર કલાક સુધી સાયબર ગઠિયાઓના દબાણ હેઠળ રહ્યું હતું. આરોપીઓ સતત ફોન અને વીડિયો કોલ દ્વારા દંપતી પર માનસિક દબાણ બનાવી રહ્યા હતા. જોકે, આ દરમિયાન વૃદ્ધે હિંમત દાખવી હતી. પરિસ્થિતિ શંકાસ્પદ લાગતાં તેમણે રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. માહિતી મળતા જ રાજકોટ પોલીસ સતર્ક બની હતી અને તાત્કાલિક વૃદ્ધ દંપતીના ઘરે પહોંચી હતી.
પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલો સમજ્યો અને દંપતીને સાયબર ગઠિયાઓના ચુંગાલમાંથી બહાર કાઢ્યું હતું. પોલીસ દ્વારા વૃદ્ધ દંપતીને સમજાવવામાં આવ્યું કે કોઈપણ સરકારી અધિકારી ફોન કે વીડિયો કોલ મારફતે આ પ્રકારની ‘ડિજિટલ એરેસ્ટ’ની કાર્યવાહી કરતો નથી.
પોલીસની મદદથી છેતરપિંડી અટકી ગઈ
રાજકોટ પોલીસની સમયસરની કાર્યવાહીથી લાખો રૂપિયાની સંભવિત છેતરપિંડી અટકી ગઈ હતી. જો દંપતી થોડો વધુ સમય સાયબર ગઠિયાઓની વાતોમાં આવી ગયું હોત તો તેમના બેન્ક ખાતામાંથી મોટી રકમ ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ થઈ શક્યો હોત.
આ ઘટના લોકોને સાયબર ફ્રોડથી સાવચેત રહેવાનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે. પોલીસ અથવા કોઈપણ સરકારી એજન્સીના નામે ફોન આવે અને પૈસા ટ્રાન્સફર કરવા, બેન્કની વિગતો આપવા કે વીડિયો કોલ પર સતત રહેવા દબાણ કરવામાં આવે તો તરત જ સાવચેત થવું જોઈએ. ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે કોઈ ધમકી આપે તો ગભરાવવાને બદલે તરત પોલીસનો સંપર્ક કરવો જરૂરી છે. રાજકોટના વૃદ્ધ દંપતીએ સમયસર પોલીસનો સંપર્ક કરીને સમજદારી દાખવી અને મોટી છેતરપિંડીથી પોતાને બચાવી લીધા.
આ પણ વાંચો : Amreli માં રાત્રે સિંહણની એન્ટ્રી, રોડ પર લટાર મારતી જોવા મળતા લોકોમાં ભય

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





