Ambaji Bhadarvi Poonam Mela: 40 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદ તૈયાર થશે! 3.25 લાખ કિલો પ્રસાદ બનાવવા આજથી શરૂ થઈ કામગીરી



Ambaji Bhadarvi Poonam Mela
Ambaji Bhadarvi Poonam Mela: 40 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદ તૈયાર થશે! 3.25 લાખ કિલો પ્રસાદ બનાવવા આજથી શરૂ થઈ કામગીરી



Ambaji Bhadarvi Poonam Mela
Ambaji Bhadarvi Poonam Mela: શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 20 સપ્ટેમ્બરથી સાત દિવસનો ભાદરવી પૂનમનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે. મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચીને માતાજીના દર્શન કરે છે. આ દરમિયાન અંબાજી મંદિરના પ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદની ભારે માંગ રહેતી હોવાથી યાત્રિકોને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે મંદિર તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ગણેશ ચતુર્થીથી મોહનથાળ બનાવવાની શરૂઆત
અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં ખાસ ડોમ તૈયાર કરી સ્વચ્છતા અને શુદ્ધતાની તકેદારી સાથે મોહનથાળ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રસાદ બનાવવાની કામગીરી પહેલાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોમ-હવન કરીને માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.
નારી શક્તિના હસ્તે પ્રસાદ બનાવવાની શરૂઆત
આ વખતે પ્રસાદ બનાવવાની કામગીરીની શરૂઆત નારી શક્તિના હસ્તે કરવામાં આવી હતી. મહિલા અધિકારીઓ ઉપરાંત અંબાજીની મહિલા સફાઈ યોદ્ધાઓને પણ આ પ્રસંગે ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
એક ઘાણમાં 376 કિલોથી વધુ સામગ્રી
મોહનથાળના એક ઘાણમાં આશરે 100 કિલો ખાંડ, 200 કિલો બેસન, 76.5 કિલોથી વધુ શુદ્ધ દેશી ઘી અને 200 ગ્રામ ઈલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સામગ્રીના મિશ્રણથી માતાજીનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે.
40 લાખ પેકેટ માટે 3.25 લાખ કિલો પ્રસાદનું લક્ષ્ય
મેળા દરમિયાન અંદાજે 1,000 જેટલા ઘાણ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વખતે આશરે 40 લાખ પેકેટ પ્રસાદ તૈયાર કરવાનું આયોજન છે. ગયા વર્ષે આશરે 2.50 લાખ કિલો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો, જ્યારે યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ વર્ષે આશરે 3.25 લાખ કિલો મોહનથાળ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
દૂધના બદલે ઘીનો ઉપયોગ
ભાદરવી પૂનમના મેળા દરમિયાન પ્રસાદની ગુણવત્તા, શુદ્ધતા અને લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા જળવાઈ રહે તે માટે મોહનથાળમાં દૂધનો ઉપયોગ કરવામાં નહીં આવે અને શુદ્ધ દેશી ઘીનો વધુ ઉપયોગ કરવામાં આવશે.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ રાખશે સતત નજર
પ્રસાદની શુદ્ધતા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સમયાંતરે સેમ્પલ લેવામાં આવશે અને તેનું પરીક્ષણ કરવામાં આવશે. સાથે જ પ્રસાદ બનાવવાના સ્થળે સ્વચ્છતા અને સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર કામગીરી
જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, મંદિર વહીવટદાર કૌશિક મોદી, બનાસકાંઠા પુરવઠા વિભાગ સહિતના અધિકારીઓ દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવશે. ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને શુદ્ધતા, સ્વચ્છતા અને સુરક્ષા સાથે મોહનથાળનો પ્રસાદ મળી રહે તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.






