Ahmedabad News: અક્ષય કુમારની હાજરીમાં આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટ, DyCM હર્ષ સંઘવીએ ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ


Akshay Kumar in Kudo Tournament
Ahmedabad News: અક્ષય કુમારની હાજરીમાં આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટ, DyCM હર્ષ સંઘવીએ ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ


Akshay Kumar in Kudo Tournament
Ahmedabad News: ગુજરાતમાં રમતગમત અને આત્મરક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટમાં જાણીતા અભિનેતા અક્ષય કુમાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહારાણા ઓફ મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશનના ચેરમેન ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને રમતગમતના મહત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સુરતથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટને હવે અમદાવાદમાં વધુ વ્યાપક પ્લેટફોર્મ મળી રહ્યું છે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અક્ષય કુમાર છેલ્લા સાતથી આઠ વર્ષથી સતત કુડો ટુર્નામેન્ટના આયોજનમાં સમય અને સહયોગ આપી રહ્યા છે. ફિલ્મોની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ દર વર્ષે આ રમત માટે સમય ફાળવે છે, જે યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે સુરતથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટને હવે અમદાવાદમાં વધુ વ્યાપક પ્લેટફોર્મ મળી રહ્યું છે અને ગુજરાત સરકાર કુડો રમતને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારવા સહયોગ આપશે.

અભિનેતા અક્ષય કુમારે જણાવ્યું હતું કે જીવનમાં સુખ, શાંતિ અને સેવાની સાથે સ્વાસ્થ્યને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. સ્વસ્થ શરીર હશે તો જ જીવનમાં અન્ય સકારાત્મક કાર્યો કરી શકાશે. તેમણે ટુર્નામેન્ટના આયોજનમાં જોડાયેલા 300થી વધુ રેફરી, શિક્ષકો, આયોજકો અને ખેલાડીઓના યોગદાનને બિરદાવ્યું હતું.
વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં માર્શલ આર્ટ્સનો સમાવેશ થાય તેવી ઈચ્છા
તેમણે વાલીઓને બાળકોને કુડો અને માર્શલ આર્ટ્સ જેવી રમતો શીખવા પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. આવી રમતો બાળકોમાં શિસ્ત, આત્મવિશ્વાસ, સમર્પણ અને આત્મરક્ષણની ભાવના વિકસાવે છે. દરેક વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં માર્શલ આર્ટ્સનો સમાવેશ થાય તેવી ઇચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.
ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડે ખેલાડીઓને અભિનંદન પાઠવતાં રમતગમતમાં શિસ્ત, પરસ્પર સન્માન અને આત્મવિશ્વાસનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે અક્ષય કુમાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 15 વર્ષથી મહિલાઓને કુડો અને આત્મરક્ષણની તાલીમ આપીને મહિલા સશક્તીકરણ માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ ટુર્નામેન્ટ દ્વારા ગુજરાતમાં કુડો રમતને પ્રોત્સાહન આપવા ઉપરાંત યુવાનો અને મહિલાઓમાં ફિટનેસ, આત્મવિશ્વાસ તથા આત્મરક્ષણની ભાવના વિકસાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Gandhidham Fire: ગાંધીધામમાં શિવમ ઈન્ટિરિયરમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ દોડતી થઈ




