Ahmedabad : નવરાત્રી આયોજનને લઈને પોલીસ કમિશનર અને ગરબા આયોજકોની મહત્વની બેઠક, તમામ વ્યવસ્થા સુચારૂ રાખવા સૂચના


Ahmedabad
Ahmedabad : નવરાત્રી આયોજનને લઈને પોલીસ કમિશનર અને ગરબા આયોજકોની મહત્વની બેઠક, તમામ વ્યવસ્થા સુચારૂ રાખવા સૂચના


Ahmedabad
Ahmedabad : અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ગરબા આયોજનને લઈને પોલીસ કમિશનર અને ગરબા આયોજકો વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેર પોલીસના JCP, DCP, ACP, PI સહિતના અધિકારીઓ તેમજ વિવિધ ગરબા આયોજકો હાજર રહ્યા હતા. નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ખેલૈયાઓ અને મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આયોજકોને આ સૂચના આપવામાં આવી
બેઠક દરમિયાન ગરબા સ્થળોએ ફાયર સેફ્ટીને લઈને ખાસ તકેદારી રાખવા આયોજકોને સૂચના આપવામાં આવી હતી. કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે જરૂરી વ્યવસ્થા રાખવા પણ પોલીસ દ્વારા જણાવાયું હતું. મહિલાઓની સુરક્ષા માટે ગરબા સ્થળો પર વિશેષ વ્યવસ્થા કરવા પોલીસ દ્વારા આયોજકોને તાકીદ કરવામાં આવી હતી. સાથે જ ગરબા સ્થળોએ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે આગોતરું આયોજન કરવા સૂચના અપાઈ હતી.
ડુપ્લિકેટ પાસ મળી આવે તો તાત્કાલિક પોલીસને સોંપવા સૂચના
કટોકટીના સમયે પોલીસનો તાત્કાલિક સંપર્ક થઈ શકે તે માટે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના PIના મોબાઇલ નંબર ગરબા આયોજકોને આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગરબા કાર્યક્રમોમાં ડુપ્લિકેટ પાસના ઉપયોગને લઈને પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. જો કોઈ ડુપ્લિકેટ પાસ મળી આવે તો તેને તાત્કાલિક પોલીસને સોંપવા આયોજકોને સૂચના અપાઈ હતી. પોલીસે ખેલૈયાઓને પણ અપીલ કરી છે કે તેઓ ગરબા સ્થળે સમયસર પહોંચે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોતાના વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરે. વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે.
નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગરબા સ્થળોએ એકત્ર થવાના હોવાથી પોલીસ અને આયોજકો વચ્ચે સતત સંકલન અને સહકાર જાળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સુરક્ષા, ટ્રાફિક, ફાયર સેફ્ટી અને મહિલાઓની સુરક્ષા સહિતના તમામ મુદ્દાઓ પર જરૂરી તકેદારી રાખવા આયોજકોને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : Vadodara : ડભોઈમાં ગંદકી જોઈ CM ભૂપેન્દ્ર પટેલે કાફલો રોકાયો, RCMને કરી ફરિયાદ




