Ahmedabad Heritage Festival 2026: 20થી 22 નવેમ્બર દરમિયાન યોજાશે 'વારસાનો ઉત્સવ 2026', હેરિટેજ વોકથી લઈને ફોક-સૂફી સંગીત સુધીના કાર્યક્રમો યોજાશે


Ahmedabad Heritage Festival 2026
Ahmedabad Heritage Festival 2026: 20થી 22 નવેમ્બર દરમિયાન યોજાશે 'વારસાનો ઉત્સવ 2026', હેરિટેજ વોકથી લઈને ફોક-સૂફી સંગીત સુધીના કાર્યક્રમો યોજાશે


Ahmedabad Heritage Festival 2026
Ahmedabad Heritage Festival 2026: શહેરની ઐતિહાસિક વિરાસત, સમૃદ્ધ પોળ સંસ્કૃતિ, સ્થાપત્ય અને પરંપરાઓને ઉજાગર કરવા માટે અમદાવાદમાં 'વારસાનો ઉત્સવ – અમદાવાદ હેરિટેજ ઉત્સવ 2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય ઉત્સવ 20, 21 અને 22 નવેમ્બર દરમિયાન કાલુપુર સ્થિત કવિ દલપતરામ ચોક, લાંબેશ્વરની પોળ ખાતે યોજાશે.
'વિરાસત એ અમદાવાદ' હેરિટેજ વોક યોજાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી ધ દૂરબીન (The Doorbin) દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 'મારી પોળ, મારું અમદાવાદ, મારી વિરાસત'ની થીમ સાથે યોજાનારા આ ઉત્સવનો હેતુ નવી પેઢીને અમદાવાદના ઐતિહાસિક વારસા સાથે જોડવાનો અને વારસાના જતન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ઉત્સવના પ્રથમ દિવસે 20 નવેમ્બરે સવારે 6:30 કલાકે 'વિરાસત એ અમદાવાદ' હેરિટેજ વોક યોજાશે. સાંજે 6:30 કલાકે ઉદ્ઘાટન સમારોહ અને રાત્રે 7:30 કલાકે ગુજરાતી કવિઓની ઉપસ્થિતિમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
લાઈવ પેઈન્ટિંગ વર્કશોપ યોજાશે
બીજા દિવસે 21 નવેમ્બરે સવારે 6:30 કલાકે 'માણેક ટુ માણેક' હેરિટેજ વોક યોજાશે. જ્યારે સાંજે 7:30 કલાકે ભજન જામિંગ કોન્સર્ટ દ્વારા ભક્તિ અને સંગીતનો અનોખો સંગમ જોવા મળશે. ત્રીજા દિવસે 22 નવેમ્બરે સવારે 9 વાગ્યે લાઈવ પેઇન્ટિંગ વર્કશોપ યોજાશે. બાળકો માટે પરંપરાગત અને વિસરાતી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7:30 કલાકે સમાપન સમારોહ યોજાશે. રાત્રે 8 વાગ્યે મિરાંદે શાહ દ્વારા ગુજરાતી ફોક અને સૂફી અનપ્લગ્ડ મ્યુઝિકની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે.
આ ઉપરાંત 19થી 21 નવેમ્બર દરમિયાન રીલ અને ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરાયું છે. તેમાં યુવાનો અમદાવાદની પોળો, સ્થાપત્ય અને વિરાસતને પોતાની સર્જનાત્મકતા દ્વારા રજૂ કરી શકશે. સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત 22 નવેમ્બરના રોજ કરવામાં આવશે. આ ઉત્સવના માધ્યમથી અમદાવાદની ઐતિહાસિક ઓળખ અને સાંસ્કૃતિક વારસાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.




