માણજલપુરમાં ભાજપનો ચૂંટણી શંખનાદ: પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન


માણજલપુરમાં ભાજપનો ચૂંટણી શંખનાદ: પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન


વડોદરા: વડોદરાના 145-માણજલપુર વિધાનસભા બેઠક માટે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સ્વર્ગસ્થ યોગેશ પટેલના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન માણજલપુર બેઠકના ભાજપના ઉમેદવાર સતીશ પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ યોગેશ પટેલે વિસ્તારના વિકાસ માટે જે કાર્યો અને સંકલ્પો કર્યા હતા, તેને આગળ વધારવા અને પૂર્ણ કરવા જ તેમની સાચી શ્રદ્ધાંજલિ હશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યોગેશ પટેલના અધૂરા વિકાસકાર્યોને નવી ગતિ આપવામાં આવશે.
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં સ્વર્ગસ્થ યોગેશ પટેલના રાજકીય અને સામાજિક યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું કે યોગેશ પટેલ કાર્યકરો સાથે હંમેશા પરિવાર જેવી લાગણી રાખતા હતા અને હોળીના તહેવારે તમામ કાર્યકરો માટે ધાણી અને ખજૂર લાવવાની તેમની પરંપરા આજે પણ યાદગાર છે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા પ્રજાલક્ષી વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કાર્યકરોને ભાજપને વધુ મજબૂત બનાવવા માટે જનસમર્થન મેળવવા અપીલ કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે સતીશ પટેલ પક્ષના પાયાના અને સમર્પિત કાર્યકર છે અને તેઓ સંગઠનને વધુ મજબૂત બનાવશે.
પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જાહેર સભા બાદ ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ત્યારબાદ વિજય મુહૂર્તમાં ઉમેદવાર સતીશ પટેલ ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થયા હતા.




