જેતપુર-ધોરાજી રોડ પર ટ્રક ડ્રાઇવર સાથે લૂંટ કરનારા બે આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા


જેતપુર-ધોરાજી રોડ પર ટ્રક ડ્રાઇવર સાથે લૂંટ કરનારા બે આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા


રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુર-ધોરાજી રોડ પર આવેલા બ્રિજ નજીક ટ્રક ડ્રાઇવર સાથે લૂંટની ઘટના બાદ જેતપુર સીટી પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ગુનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું.
માહિતી મુજબ, હોર્ન મારવાના સામાન્ય મુદ્દે નંબર પ્લેટ વગરના એક્ટિવા પર આવેલા બે શખ્સોએ ટ્રક ડ્રાઇવરને રોક્યો હતો. ત્યારબાદ કેબિનનો દરવાજો ખોલી ટ્રકની ચાવી તેમજ ₹4,500 રોકડ લૂંટી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ જેતપુર સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી. અન્ય એક ટ્રક ડ્રાઇવરે બનાવનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેના આધારે પોલીસે મુખ્ય આરોપી ધોરાજીના મયુર સોંદરવા સહિત તેના એક સાગરીતને ઝડપી પાડ્યા હતા.
પોલીસે બંને આરોપીઓને જેતપુર-ધોરાજી રોડ પર આવેલા તે જ બ્રિજ પર લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સાથે જ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને કાયદાનો કડક સંદેશ આપ્યો હતો, જેથી અસામાજિક તત્વોમાં પોલીસનો ભય ઉભો થાય.
જેતપુર સીટી પોલીસે જણાવ્યું કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને ગુનેગારોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.




