ભારત vs પાકિસ્તાન મહિલા T20 વર્લ્ડ કપ: નવમી વખત ટકરાવ, ભારતનો દબદબો ભારે



AI IMAGE
ભારત vs પાકિસ્તાન મહિલા T20 વર્લ્ડ કપ: નવમી વખત ટકરાવ, ભારતનો દબદબો ભારે



AI IMAGE
બર્મિંઘમ વુમન્સ ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો એજબેસ્ટન સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે રમાશે. બંને ટીમો માટે આ ટૂર્નામેન્ટનો પહેલો મેચ રહેશે. ભારત છેલ્લી ટી-20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલ સુધી પહોંચ્યું હતું, જ્યારે પાકિસ્તાન ગ્રુપ સ્ટેજથી બહાર થઈ ગયું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ 16 ટી-20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 13 અને પાકિસ્તાને 3 મેચ જીત્યા છે. ટી-20 વર્લ્ડ કપમાં બંને ટીમો 8 વખત આમને-સામને આવી છે, જેમાં ભારતે 6 અને પાકિસ્તાને 2 મેચ જીતી છે.
પાકિસ્તાનને મોટો ઝટકો લાગી શકે છે
પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી. તેમના જમણા ઘૂંટણ પર સાથી ખેલાડીનો શોટ વાગતાં તેઓ મેદાન બહાર થઈ ગઈ હતી. તેમની રમવાની શક્યતા હાલ શંકાસ્પદ છે.
ભારતની બેટિંગ લાઈનઅપ મજબૂત
ભારતની સૌથી મોટી તાકાત તેનો ટોપ ઓર્ડર માનવામાં આવે છે.
શેફાલી વર્માએ 2025 પછી 21 મેચમાં 677 રન સાથે 6 અર્ધશતક ફટકાર્યા છે, જ્યારે સ્મૃતિ મંધાનાએ 18 મેચમાં 572 રન બનાવ્યા છે, જેમાં એક સદી પણ સામેલ છે.
કેપ્ટન હરમનપ્રીત કૌર પાસે ટીમનો સૌથી વધુ અનુભવ છે. તેમની કેપ્ટનશીપમાં ભારતે ટી-20 વર્લ્ડ કપમાં 19માંથી 13 મેચ જીતી છે.
મિડલ ઓર્ડરમાં જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ અને દીપ્તિ શર્મા ટીમને મજબૂતી આપે છે. બોલિંગમાં શ્રી ચરણીએ 20 મેચમાં 28 વિકેટ ઝડપી છે.
ટીમ સિલેક્શન પર નજર
ભારત માટે ત્રીજા નંબરની બેટિંગ પોઝિશન માટે યસ્તિકા ભાટિયા અને ભારતી ફુલમાલી વચ્ચે સ્પર્ધા છે. બંનેએ તાજેતરમાં સારો પ્રદર્શન કર્યો છે.
પાકિસ્તાનની આશા ફાતિમા સના પર
પાકિસ્તાન માટે ફાતિમા સના સૌથી મોટી આશા છે. તેમણે 2025 પછી 12 મેચમાં 335 રન અને 13 વિકેટ લીધા છે. તેમનો સ્ટ્રાઈક રેટ 183થી વધુ રહ્યો છે. તાજેતરમાં તેમણે માત્ર 15 બોલમાં ઝડપી અર્ધશતક પણ ફટકાર્યું હતું.
બેટિંગમાં મુનીબા અલી, આયશા જફર અને આલિયા રિયાઝ મહત્વની ભૂમિકા ભજવશે. બોલિંગમાં સાદિયા ઇકબાલ અને નશરા સંધુ સ્પિન આક્રમણ સંભાળશે.
બર્મિંઘમનું હવામાન
મેચ દરમિયાન હવામાન અનુકૂળ રહેશે. તાપમાન 10થી 19 ડિગ્રી વચ્ચે રહેશે અને વરસાદની શક્યતા માત્ર 20% છે. શરૂઆતના ઓવરોમાં પેસ બોલર્સને સ્વિંગ મળવાની શક્યતા છે.
એજબેસ્ટન પિચ રિપોર્ટ
એજબેસ્ટનની પિચ બેટિંગ અને બોલિંગ બંનેને મદદરૂપ રહે છે. નવી બોલ સાથે પેસરોને મદદ મળે છે, જ્યારે બાદમાં સ્પિનરો અસરકારક સાબિત થાય છે. અહીં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર લગભગ 145 રન છે.
સંભવિત પ્લેઇંગ ઈલેવન
ભારત: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યસ્તિકા ભાટિયા/ભારતી ફુલમાલી, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટિલ, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, શ્રી ચરણિ
પાકિસ્તાન: મુનીબા અલી, ગુલ ફરીઝા, આયશા જફર, આલિયા રિયાઝ, ફાતિમા સના, ઇમાન ફાતિમા, ઇરમ જાવેદ, તુબા હસન, ડાયના બેગ, નશરા સંધુ, સાદિયા ઇકબાલ
લાઈવ ક્યાં જોશો?
મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે, જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ રહેશે.




