અમેરિકાના ઇડાહોમાં રેસ્ટોરન્ટમાં અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત અને અનેક ઘાયલ


ફાઈલ ફોટો
અમેરિકાના ઇડાહોમાં રેસ્ટોરન્ટમાં અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત અને અનેક ઘાયલ


ફાઈલ ફોટો
સાન ફ્રાન્સિસ્કો: અમેરિકાના ઉત્તર-પશ્ચિમ રાજ્ય ઇડાહોના ટ્વિન ફોલ્સ શહેરમાં આવેલા ઇન-એન-આઉટ રેસ્ટોરન્ટ નજીક શનિવારે થયેલી ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું છે.
અહેવાલ મુજબ સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 2:30 વાગ્યે રેસ્ટોરન્ટ વિસ્તારમાં અચાનક ગોળીબાર શરૂ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.
ટ્વિન ફોલ્સ પોલીસ વિભાગે લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા અપીલ કરી છે જેથી કાયદો અને વ્યવસ્થા જાળવનારી એજન્સીઓ અને બચાવ ટીમો સુરક્ષિત રીતે કામગીરી કરી શકે. ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ટ્વિન ફોલ્સ પોલીસ ચીફ મેથ્યુ હિક્સે જણાવ્યું કે ઘટનામાં જાનહાનિ થઈ છે, પરંતુ મૃતકોની ચોક્કસ સંખ્યા અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. શંકાસ્પદ હુમલાખોરનું પણ મોત થયું હોવાનું જણાવાયું છે, જોકે તે કેવી રીતે માર્યો ગયો તે અંગે માહિતી જાહેર કરવામાં આવી નથી.
પોલીસ હાલ હુમલાખોરની ઓળખ અને હુમલા પાછળના હેતુ અંગે તપાસ કરી રહી છે. ઘટના બાદ આસપાસના રસ્તાઓ અને નજીકનો પુલ પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.
અમેરિકામાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં જાહેર સ્થળોએ ગોળીબારની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




