રાજ્યમાં વરસાદી સ્થિતિની CMએ SEOCથી સમીક્ષા કરી, ઉત્તર ગુજરાત માટે એલર્ટ; 42 હજારથી વધુ લોકોનું સ્થળાંતર


રાજ્યમાં વરસાદી સ્થિતિની CMએ SEOCથી સમીક્ષા કરી, ઉત્તર ગુજરાત માટે એલર્ટ; 42 હજારથી વધુ લોકોનું સ્થળાંતર


Gujarat Rain CM Review: રાજ્યમાં સતત વરસાદી માહોલ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણા હાજર રહ્યા હતા.

સમીક્ષા દરમિયાન આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત જિલ્લાઓના કલેક્ટરોને સતત સતર્ક રહીને પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી.

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં હવે સરકારનું ધ્યાન રાહત અને પુનર્વસન કામગીરી પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેશ ડોલ્સની ચુકવણી શરૂ થઈ ગઈ છે અને ઘરવખરી સહાય પણ ટૂંક સમયમાં આપવામાં આવશે. પ્રાથમિક અહેવાલ મુજબ વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 308 પશુઓના મૃત્યુ નોંધાયા છે. મુખ્યમંત્રીશ્રીએ પાણી ઓસરતાની સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ, આરોગ્યલક્ષી કામગીરી અને નુકસાનના સર્વે ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.
રાહત કમિશનરે બેઠકમાં જણાવ્યું કે વલસાડમાં ગયા વર્ષની સરખામણીએ 93 ટકા, નવસારીમાં 97 ટકા, ડાંગમાં 71 ટકા, સુરતમાં 81 ટકા, અમદાવાદમાં 66 ટકા અને અમરેલીમાં 63 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના જળાશયોમાં હાલ 53.14 ટકા પાણીનો સંગ્રહ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 42,158 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે.




