રાજકોટને ₹268 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે ગુણવત્તાયુક્ત વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ પર આપ્યો ભાર


રાજકોટને ₹268 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે ગુણવત્તાયુક્ત વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ પર આપ્યો ભાર


રાજકોટ: શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં ₹268 કરોડથી વધુના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. કાર્યક્રમ દરમિયાન તેમણે વિકાસની સાથે સંસ્કાર, પર્યાવરણ અને ગુણવત્તાયુક્ત કામ પર વિશેષ ભાર મૂક્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં રાજકોટના જૂના દિવસોને યાદ કરતાં રમૂજી અંદાજમાં જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે શહેરમાં પાણીની સ્થિતિ અત્યંત ગંભીર હતી. તેમણે કહ્યું કે, "જો રાજકોટને સૌની યોજનાનું પાણી ન મળ્યું હોત તો રાજકોટ છોડવું પડ્યું હોત, એવું અહીંના લોકો મને કહેતા." તેમણે જણાવ્યું કે માત્ર વિકાસ પૂરતો નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને વિરાસતનું જતન પણ એટલું જ જરૂરી છે. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે, "આપણી સંસ્કૃતિ અને સંસ્કાર આપણા સ્વભાવમાં હોવા જોઈએ."

મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને સૂચન કર્યું કે શહેરમાં બનતા નવા માર્ગો શક્ય હોય ત્યાં સુધી RCC રોડ તરીકે બનાવવામાં આવે જેથી લાંબા ગાળે વધુ ગુણવત્તાયુક્ત સુવિધા મળી રહે. પર્યાવરણ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે જો આપણે પર્યાવરણનું જતન નહીં કરીએ તો વરસાદ અને ગરમી જેવી કુદરતી પરિસ્થિતિઓ વધુ વિકટ બનશે. તેથી દરેક નાગરિકે રોજિંદા જીવનમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવી જરૂરી છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજે ₹268 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે રાજકોટમાં હજુ પણ આશરે ₹2,500 કરોડના વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિકાસ માટે સરકાર પાસે નાણાંની કોઈ અછત નથી. તેમણે ઉમેર્યું કે, "વિકાસના કામોમાં જેટલા પૈસા જોઈએ તેટલા સરકાર આપશે, પરંતુ દરેક કામ ગુણવત્તાયુક્ત અને ટકાઉ હોવું જોઈએ."




