મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો નવો વેગ, અંડરસી ટનલ અને વિદ્યુતીકરણનું કામ તેજ ગતિએ આગળ


મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો નવો વેગ, અંડરસી ટનલ અને વિદ્યુતીકરણનું કામ તેજ ગતિએ આગળ


અમદાવાદ: દેશના સૌથી મહત્ત્વાકાંક્ષી મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મોટી સિદ્ધિ નોંધાઈ છે. મહારાષ્ટ્રના ઠાણે ખાડી વિસ્તારમાં દેશની પ્રથમ અંડરસી રેલવે ટનલ માટે બીજી ટનલ બોરિંગ મશીન (TBM) દ્વારા ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, સમગ્ર 508 કિલોમીટર લાંબા હાઇ-સ્પીડ રેલ કોરિડોરમાં વિદ્યુતીકરણનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.

દેશની પ્રથમ અંડરસી રેલવે ટનલ
પ્રોજેક્ટ અંતર્ગત 21 કિલોમીટર લાંબા ભૂગર્ભ ટનલ સેક્શનનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાંથી 16 કિલોમીટરનો ભાગ અત્યાધુનિક ટનલ બોરિંગ મશીનો (TBM) દ્વારા બનાવવામાં આવશે, જ્યારે 7 કિલોમીટરનો ભાગ ઠાણે ખાડીની નીચે દરિયાઈ ટનલ તરીકે વિકસાવવામાં આવશે. આ ભારતના રેલવે ઈતિહાસની પ્રથમ અંડરસી રેલવે ટનલ હશે. 13.6 મીટર વ્યાસ, 3,200 ટન વજન અને 96 મીટર લાંબી TBM અદ્યતન મિક્સશીલ્ડ ટેક્નોલોજીથી સજ્જ છે, જે કઠિન ભૂસ્તરીય પરિસ્થિતિમાં પણ સુરક્ષિત અને ચોકસાઈપૂર્વક ટનલ ખોદી શકે છે.
320 કિમી પ્રતિ કલાક માટે આધુનિક વીજ વ્યવસ્થા
બુલેટ ટ્રેન માટે દેશમાં પ્રથમ વખત 2×25 KV ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનોને સતત અને સ્થિર વીજ પુરવઠો પૂરો પાડશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 14 ટ્રેક્શન સબસ્ટેશનો, 31 સ્વિચિંગ પોસ્ટ્સ અને 16 ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે.
'મેક ઇન ઇન્ડિયા'ને મળશે મજબૂતી
સમગ્ર કોરિડોરમાં આશરે 22,000 સ્ટીલ માસ્ટ અને 25,700થી વધુ કેન્ટિલીવર એસેમ્બલીઓ સ્થાપિત કરવામાં આવશે. હાઇ-સ્પીડ રેલ માટે જરૂરી અનેક મહત્વપૂર્ણ વિદ્યુતીકરણના સાધનોનું ઉત્પાદન ભારતમાં જ થઈ રહ્યું છે, જે 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને વધુ મજબૂત બનાવશે.
સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાધુનિક સલામતી વ્યવસ્થા પણ વિકસાવવામાં આવી રહી છે. સમગ્ર રૂટ પર રિયલ-ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ, આધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમ તેમજ 28 અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્મોમીટર્સ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ભૂકંપની સ્થિતિ સર્જાય તો ટ્રેનોને સેકન્ડોમાં સુરક્ષિત રીતે રોકી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
વિશ્વસ્તરીય હાઇ-સ્પીડ રેલ તરફ ભારતનું મજબૂત પગલું
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માત્ર ઝડપી મુસાફરીનું માધ્યમ નહીં પરંતુ ભારતના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે પહોંચાડનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે ઉભરી રહ્યો છે. સાથે જ સ્થાનિક ઉત્પાદન, આધુનિક ટેક્નોલોજી અને રોજગારીની નવી તકોને પણ આ પ્રોજેક્ટ પ્રોત્સાહન આપી રહ્યો છે.




