મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે 'કૌશલ્ય વિકાસ ભવન'નું ભૂમિપૂજન કર્યુ


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે 'કૌશલ્ય વિકાસ ભવન'નું ભૂમિપૂજન કર્યુ


ગાંધીનગર: રાજ્યમાં કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક પ્રગતિને વધુ વેગ આપવા માટે ગાંધીનગર ખાતે રૂ. 20 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર 'કૌશલ્ય વિકાસ ભવન'નું અષાઢી બીજના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત અને ઉદ્યોગ વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં અખિલ ભારતીય સંયોજક (હિન્દુ ધર્માચાર્ય સભા) પરમ પૂજ્ય સ્વામી પરામાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. સાથે જ નવા ભવનના નિર્માણ માટે દાન આપનાર દાતાશ્રીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત અને ઉદ્યોગ વિકાસ પરિષદના પ્રતિનિધિ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે, 'ઉદ્યોગ સાથે રાષ્ટ્રહિત'ના સૂત્રને સાકાર કરતું આ ભવન યુવાનોને નવી ટેકનોલોજી, આધુનિક કુશળતા અને ઉદ્યોગસાહસિકતા તરફ આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઔદ્યોગિક વિકાસલક્ષી નીતિઓના કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આવા સમયમાં આ ભવન યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ટેકનિકલ તાલીમ આપીને રોજગારી અને સ્વરોજગારની નવી તકો ઉભી કરશે.
આ 'કૌશલ્ય વિકાસ ભવન'ને સેન્ટર ઓફ એક્સેલન્સ (Centre of Excellence) તરીકે વિકસાવવામાં આવશે. અહીં સ્કિલ ડેવલપમેન્ટ, ટેકનિકલ વર્કશોપ, સેમિનાર, ઉદ્યોગ માર્ગદર્શન, સ્ટાર્ટઅપ સપોર્ટ અને આધુનિક તાલીમ જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. ઉપરાંત ઉદ્યોગકારો, સરકાર, નિષ્ણાતો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંવાદનું મહત્વપૂર્ણ કેન્દ્ર પણ બનશે. કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરનાં ધારાસભ્ય રીટાબેન પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના હોદ્દેદારો, જાણીતા ઉદ્યોગપતિઓ અને વિવિધ ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




