ધ્રાંગડા ગામે ગેરકાયદે રેતી ખનન સામે તંત્રનો સપાટો, રૂ.40 લાખનો મુદ્દામાલ જપ્ત


ધ્રાંગડા ગામે ગેરકાયદે રેતી ખનન સામે તંત્રનો સપાટો, રૂ.40 લાખનો મુદ્દામાલ જપ્ત


Illegal Sand Mining Jamnagar: જામનગરના ધ્રાંગડા ગામે ગેરકાયદે રેતી ખનન સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઊંડ નદીના પટ્ટ વિસ્તારમાં ગેરકાયદે રેતીના સંગ્રહ અને વહન અંગે મળેલી ફરિયાદના આધારે તંત્રની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
ફરિયાદના આધારે તંત્રની તપાસ
ધ્રાંગડા ગામના ઊંડ નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતીના ગેરકાયદે સંગ્રહ અને વહનની ફરિયાદ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરકાયદે રેતીના સંગ્રહ અને તેના વહનનો મામલો સામે આવ્યો હતો.
લોડર સહિત ત્રણ વાહનો જપ્ત
કાર્યવાહી દરમિયાન તંત્રની ટીમે લોડર મશીન સહિત કુલ ત્રણ વાહનો ઝડપી પાડ્યા હતા. ત્રણેય વાહનોને જપ્ત કરી વધુ કાર્યવાહી માટે પંચ-A પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.
રૂ.40 લાખનો મુદ્દામાલ
પ્રાથમિક અનુમાન મુજબ, કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવેલા લોડર મશીન અને અન્ય વાહનો સહિત કુલ મુદ્દામાલની કિંમત આશરે રૂ.40 લાખ હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદે રેતી ખનન અને વહન સામે તંત્રની આ કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. હવે જપ્ત કરાયેલા વાહનો અને ગેરકાયદે રેતીના મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




