ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે: અંગદાન ક્ષેત્રે ગુજરાતનો રાષ્ટ્રીય ડંકો, ત્રણ સરકારી હોસ્પિટલોને મળ્યા પ્રતિષ્ઠિત એવોર્ડ


AI Generated Images
ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે: અંગદાન ક્ષેત્રે ગુજરાતનો રાષ્ટ્રીય ડંકો, ત્રણ સરકારી હોસ્પિટલોને મળ્યા પ્રતિષ્ઠિત એવોર્ડ


AI Generated Images
અમદાવાદ: ‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે-2026’ના અવસરે ગુજરાતે ફરી એકવાર દેશભરમાં ગૌરવ પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે સમારોહમાં ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોને વિવિધ શ્રેણીમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ બદલ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર તબીબી ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે દેશ માટે રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે.
ત્રણ સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય એવોર્ડ
- IKDRC, અમદાવાદને "Excellence in Leading Government Hospital in Organ Transplantation" એવોર્ડ એનાયત થયો.
- અમદાવાદ સિવિલ હોસ્પિટલને "Best Non-Transplant Organ Retrieval Centre (NTORC)" એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.
- નવી સિવિલ હોસ્પિટલ, સુરતને "Best Brain Stem Death Team" એવોર્ડ મળ્યો.
597 સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ
આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ વર્ષ 2025 દરમિયાન IKDRC ખાતે કુલ 597 સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. તેમાં 502 કિડની, 86 લિવર અને 9 પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. આમાંથી 380 દર્દીઓને PM-JAY યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત, અહીં સારવાર મેળવનારા આશરે 34 ટકા દર્દીઓ અન્ય રાજ્યોના હોવાનું પણ તેમણે જણાવ્યું.
અમદાવાદ અને સુરતની નોંધપાત્ર કામગીરી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025-26 દરમિયાન 48 મૃત દાતાઓ પાસેથી 171 જીવનદાયી અંગો અને 34 ટિશ્યૂનું સફળ રીટ્રીવલ કરવામાં આવ્યું હતું. જ્યારે નવી સિવિલ હોસ્પિટલ, સુરતની ટીમે 82 બ્રેઇન સ્ટેમ ડેથ કેસોનું સફળ સર્ટિફિકેશન કરીને અંગદાનની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી છે.
અંગદાન કરનાર પરિવારોને આરોગ્ય મંત્રીનો નમન
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અંગદાન કરનાર પરિવારોને નમન કરતાં જણાવ્યું કે એક પરિવારના માનવતાભર્યા નિર્ણયથી અનેક દર્દીઓને નવું જીવન મળ્યું છે. તેમણે રાજ્યના નાગરિકો, ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓને અંગદાન અંગે વધુ જાગૃત બનવા તથા બ્રેઇન ડેડ દર્દીઓના અંગો વ્યર્થ ન જાય તે માટે સક્રિય સહભાગી થવા અપીલ કરી હતી. ગુજરાતે અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે સતત શ્રેષ્ઠ કામગીરી કરીને દેશભરમાં પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે.




