ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈને એલર્ટ: 31 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ


ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈને એલર્ટ: 31 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ


ગીર સોમનાથ: હવામાન વિભાગ દ્વારા આગામી 31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોને જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા તેમજ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની આપાતકાલીન સ્થિતિમાં નાગરિકો ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરી શકે છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, દવાઓનો પૂરતો જથ્થો, સફાઈ વ્યવસ્થા અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે ચર્ચા કરીને તમામ વિભાગોને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.
વહીવટી તંત્રે નાગરિકોને અનુરોધ કર્યો છે કે આગામી દિવસોમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, નદી-નાળા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવું. સાથે જ ભારે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારનું સાહસ ન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. પશુપાલકોને પણ ભારે વરસાદની સ્થિતિમાં પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા જરૂરી હોય તો ખુલ્લા રાખવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત, પ્રવાસીઓને દરિયાકિનારા અને બીચ વિસ્તારથી દૂર રહેવા તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
વીડિયો કોન્ફરન્સ મારફતે તમામ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જરૂરિયાત ઉભી થાય તો લોકોના સ્થળાંતર માટે સુરક્ષિત સ્થળોની પૂર્વ તૈયારી, તાલુકા અને ગામ કક્ષાના આપદા મિત્રોની યાદી તૈયાર રાખવા તેમજ આગામી સૂચના સુધી તમામ અધિકારીઓને મુખ્ય મથક ન છોડવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. વહીવટી તંત્રે તમામ વિભાગોને સતત એલર્ટ મોડ પર રહી કામગીરી કરવા તેમજ વરસાદ સંબંધિત સત્તાવાર માહિતી ઝડપથી લોકો સુધી પહોંચાડવા સૂચના આપી છે. સાથે જ નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.




