મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ, મહેસાણા-કચ્છ-ભાવનગરના જિલ્લા સ્વાગતમાં ઓચિંતી હાજરીથી અધિકારીઓમાં દોડધામ


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ, મહેસાણા-કચ્છ-ભાવનગરના જિલ્લા સ્વાગતમાં ઓચિંતી હાજરીથી અધિકારીઓમાં દોડધામ


ગાંધીનગર: રાજ્યમાં જનફરિયાદોના ઝડપી અને અસરકારક નિકાલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનોખી પહેલ કરતાં મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાના જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. મુખ્યમંત્રી ગાંધીનગર સ્થિત વીડિયો વોલ મારફતે સીધા જિલ્લા સ્વાગત સાથે જોડાયા અને અરજદારોની રજૂઆતો સાંભળીને અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ફરિયાદોનો માત્ર કાગળ પર નિકાલ નહીં પરંતુ અરજદારને સંતોષ થાય તે રીતે પ્રશ્નોનું વાસ્તવિક નિરાકરણ લાવવું જરૂરી છે. જિલ્લા કલેક્ટરો અને અધિકારીઓએ દરેક કેસને ગંભીરતાથી લઈને સમયમર્યાદામાં તેનો ઉકેલ લાવવો જોઈએ.
મહેસાણાના બિલ્ડર કેસમાં કડક સૂચના
મહેસાણા જિલ્લામાં ફ્લેટ ધારક દ્વારા બિલ્ડર સામે કરાયેલી ફરિયાદમાં મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરને બિલ્ડર પાસેથી કાયદેસરની વસૂલાત કરીને અરજદારને તેના નાણાં પરત અપાવવાની સ્પષ્ટ સૂચના આપી હતી.
પાલિતાણાની ગૌચર જમીન અંગે તાકીદ
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં ગૌચર જમીન પર થયેલા પાકા બાંધકામ અંગે મુખ્યમંત્રીશ્રીએ જમીનની તાત્કાલિક માપણી કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવા અને અરજદારને ન્યાય અપાવવા માટે જિલ્લા કલેક્ટરને નિર્દેશ આપ્યા હતા.
તાલુકા અને જિલ્લા સ્તરે જ ઉકેલ લાવવા ભાર
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કોઈપણ નાગરિકને રાજ્ય સ્વાગત સુધી ફરિયાદ લઈને આવવાની જરૂર ન પડે તે માટે તાલુકા અને જિલ્લા સ્વાગતમાં જ 100 ટકા ફરિયાદોનું નિરાકરણ લાવવા અધિકારીઓએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે છેલ્લા છ મહિનાથી પડતર રહેલી ફરિયાદોનો 15 દિવસથી એક મહિનાની અંદર નિકાલ કરીને તેની સંપૂર્ણ વિગતો મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવા પણ સૂચના આપી હતી.
વિભાગો વચ્ચે પત્રવ્યવહાર નહીં, સીધો ઉકેલ
મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓને જણાવ્યું કે જે પ્રશ્નોનો ઉકેલ શક્ય ન હોય તેની સાચી અને સ્પષ્ટ માહિતી અરજદારને આપવી જોઈએ. વિભાગો વચ્ચે માત્ર પત્રવ્યવહાર કરીને પ્રશ્નોને વધુ જટિલ ન બનાવવાની પણ તેમણે સૂચના આપી.
ગૌચર જમીનના દબાણ મામલે મહત્વપૂર્ણ નિર્ણય
ગૌચર જમીનો પરના દબાણોના કેસમાં માપણી માટેની ફી સરકાર ભરે તે અંગે પણ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા. ઉપરાંત જિલ્લાના અધિકારીઓને દર મહિનાના તાલુકા સ્વાગતમાં જાતે હાજર રહી નાગરિકોની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે સક્રિય રહેવાનું પણ જણાવ્યું. મુખ્યમંત્રીશ્રીની આ ઓચિંતી ડિજિટલ મુલાકાતથી જિલ્લા સ્વાગતમાં હાજર અરજદારોને સીધો સંવાદ કરવાની તક મળી અને સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું જોવા મળ્યું.




