અંકલેશ્વરમાં ‘પ્રોજેક્ટ અસ્મિતા’નું લોન્ચિંગ, 526 દીકરીઓને રોજગારીના નિમણૂકપત્ર; ₹482 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ


અંકલેશ્વરમાં ‘પ્રોજેક્ટ અસ્મિતા’નું લોન્ચિંગ, 526 દીકરીઓને રોજગારીના નિમણૂકપત્ર; ₹482 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ


Bharuch Project Asmita: ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી તેમજ ઔદ્યોગિક સંરક્ષણ અને વિકાસને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી અંકલેશ્વર GIDC ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચ પોલીસના ‘પ્રોજેક્ટ અસ્મિતા’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનેક વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
526 મહિલાઓને મળ્યા રોજગારીના નિમણૂકપત્ર
અંકલેશ્વર GIDCના ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘પ્રોજેક્ટ અસ્મિતા’ અંતર્ગત ભરૂચ જિલ્લાની દીકરીઓને વિવિધ કંપનીઓમાં રોજગારી માટે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં કુલ 526 મહિલાઓને રોજગારી આપવામાં આવી છે. આ મહિલાઓને કાર્યક્રમ દરમિયાન સત્તાવાર રીતે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પહેલને મહિલા સશક્તિકરણ અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
ભરૂચ પોલીસની કામગીરીનું પણ સન્માન
કાર્યક્રમ દરમિયાન ભરૂચ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સાથે જ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ ‘પ્રોજેક્ટ અસ્મિતા’ના અમલ બદલ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોલીસ પ્રજાની મિત્ર તરીકે કામ કરતી મહત્વની ફોર્સ હોવાનું જણાવ્યું હતું.
₹482 કરોડના 10 વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં ₹482 કરોડના કુલ 10 વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કામોમાં અંકલેશ્વરમાં નિર્માણ પામેલા ટ્રાન્સપોર્ટ નગર, વેરહાઉસ અને મલ્ટીલેવલ શેડ સહિતના પ્રકલ્પોનો સમાવેશ થાય છે. ઉપરાંત જંબુસરના બલ્ક ડ્રગ પાર્કની પાણી પુરવઠા યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પો થકી ઔદ્યોગિક વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનવાની સાથે ઉદ્યોગોના વિકાસને વેગ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
ઉદ્યોગકારોને હર્ષ સંઘવીની મહત્વપૂર્ણ અપીલ
હર્ષ સંઘવીએ GIDCના કામોને વધુ વર્ગવંતા અને અસરકારક બનાવવા અપીલ કરી હતી. તેમણે ઉદ્યોગકારોને કોઈપણ પ્રકારની ખોટી હેરાનગતિ થાય તો સીધી વડી કચેરીમાં રજૂઆત કરવા સૂચના આપી હતી. તેમણે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગે પણ આશા વ્યક્ત કરી હતી કે આ કરારો આગામી સમયમાં વિકાસ અને વેપાર માટે નવા દ્વાર ખોલવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબહેન રાજ, ધારાસભ્યો અરૂણસિંહ રણા અને ડી.કે. સ્વામી, કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા રોજગારી, પોલીસની કામગીરી અને ઔદ્યોગિક વિકાસ—ત્રણેય ક્ષેત્રને એકસાથે વેગ આપતા અંકલેશ્વરના આ કાર્યક્રમને ભરૂચ જિલ્લાના વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.




