અંકલેશ્વરમાં ફૂડ એન્ડ ડ્રગ્સની સરપ્રાઈઝ ચેકિંગ, 48 કિલો અખાદ્ય ખોરાકનો નાશ, 2 હોટેલ સીલ



અંકલેશ્વરમાં ફૂડ એન્ડ ડ્રગ્સની સરપ્રાઈઝ ચેકિંગ, 48 કિલો અખાદ્ય ખોરાકનો નાશ, 2 હોટેલ સીલ



Ankleshwar Food Safety Checking: શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા અંકલેશ્વર નગરપાલિકાની ટીમે સંયુક્ત સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. શહેર તેમજ જૂના નેશનલ હાઈવે નંબર-8 પર આવેલી હોટલો, લારી-ગલ્લા અને આઈસ્ક્રીમ પાર્લરોમાં અચાનક તપાસ હાથ ધરાતા નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

48 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ
ચેકિંગ દરમિયાન ટીમે અંદાજે રૂ.7,000ની કિંમતનો 48 કિલો જેટલો બિનઆરોગ્યપ્રદ અને અખાદ્ય ખોરાક ઝડપી પાડ્યો હતો. આ તમામ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ટીમને તપાસ દરમિયાન ફ્રોઝન ફૂડ, બટાકા-રગડો, ચટણી, વેજીટેબલ ઘી, ઘઉંનો લોટ, વાસી રોટલી, ચાઈનીઝ લોલીપોપ અને અંદાજે 2 કિલો કાચું ચિકન સહિતનો જથ્થો મળી આવ્યો હતો.

2 હોટેલ સામે મોટી કાર્યવાહી
ચેકિંગ દરમિયાન નિયમોનું પાલન ન કરનાર બે હોટેલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જૂના નેશનલ હાઈવે નંબર-8 પર આવેલી ન્યૂ ભંડાર રેસ્ટોરન્ટમાં અસ્વચ્છ હાઈજેનિક સ્થિતિ અને માન્ય ફૂડ લાયસન્સ ન હોવાને કારણે તેને બંધ કરવામાં આવી હતી. જ્યારે ખોડિયાર કાઠિયાવાડી હોટેલના સંચાલક દ્વારા સમયસર ફૂડ લાયસન્સનું રિન્યુઅલ ન કરાવવામાં આવતા હોટેલને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી હતી.
અસ્વચ્છતા બદલ રૂ.1,500નો દંડ
તપાસ દરમિયાન અસ્વચ્છતા જણાતા નગરપાલિકા દ્વારા રૂ.1,500નો રોકડ દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાંચથી વધુ એકમોને સ્વચ્છતા અંગેની નોટિસ પણ ફટકારવામાં આવી હતી.
શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ પણ લીધા હતા. આ સેમ્પલને વધુ તપાસ અને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ડેઝિગ્નેટેડ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ખાદ્ય સુરક્ષા અધિકારીઓ દ્વારા સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રહેશે
અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન થાય તે માટે આગામી દિવસોમાં પણ આવી સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે. ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો પર તંત્રની નજર રહેશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




