અમદાવાદમાં AMCની મોટી કાર્યવાહી: દાણીલીમડાની એશિયન બેકરી સીલ


અમદાવાદમાં AMCની મોટી કાર્યવાહી: દાણીલીમડાની એશિયન બેકરી સીલ


Ahmedabad Asian Bakery Sealed: શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાદ્ય એકમો સામે તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન દાણીલીમડાની એશિયન બેકરીને સીલ કરવામાં આવી છે. બેકરીમાં બિનઆરોગ્યપ્રદ રીતે તૈયાર કરવામાં આવેલી ખાદ્ય સામગ્રી મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.

FSSAI લાયસન્સ વગર બેકરીનું સંચાલન
AMCના હેલ્થ-ફૂડ વિભાગની તપાસ દરમિયાન એશિયન બેકરી પાસે જરૂરી FSSAI લાયસન્સ/રજીસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત બેકરીમાંથી તૈયાર કરવામાં આવતા પેકેટો પર ખોટો FSSAI લાયસન્સ નંબર દર્શાવવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.
બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો નાશ
તપાસ દરમિયાન બિનઆરોગ્યપ્રદ રીતે તૈયાર કરવામાં આવેલી ખાદ્ય સામગ્રી મળી આવતા તંત્ર દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્ય સલામતીના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતા AMC દ્વારા બેકરીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ખાદ્ય એકમો સામે AMCનું ચેકિંગ યથાવત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-ફૂડ વિભાગ દ્વારા FSSAI Act-2006 અને GPMC Act હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરમાં લોકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તેમજ ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા એકમો દ્વારા જરૂરી નિયમો અને સ્વચ્છતાના ધોરણોનું પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો છે.




