ગુજરાતમાં પ્રથમ વખત સ્પીડી ખો ખો સ્પર્ધાનું આયોજન, જુમ્માદાદા વ્યાયામ મંદિર બન્યું ચેમ્પિયન



ગુજરાતમાં પ્રથમ વખત સ્પીડી ખો ખો સ્પર્ધાનું આયોજન, જુમ્માદાદા વ્યાયામ મંદિર બન્યું ચેમ્પિયન



અમદાવાદ: ગુજરાતમાં પ્રથમ વખત સ્પીડી ખો ખો સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ખો ખો રમતને આધુનિક સ્વરૂપ આપીને તૈયાર કરવામાં આવેલી સ્પીડી ખો ખો રમત ખેલાડીઓ અને રમતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
પરંપરાગત ખો ખોમાં 9 બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે સ્પીડી ખો ખોમાં 6 બોક્સની નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. રમતના ઝડપી અને રોમાંચક સ્વરૂપને કારણે તેને હવે સ્પીડી ખો ખો તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાત ક્રીડા મંડળ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યની કુલ 4 ટીમોએ ભાગ લીધો હતો. ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા અને રમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
પ્રથમ વખત યોજાયેલી આ સ્પર્ધામાં શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિરની ટીમે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે ગુજરાત ક્રીડા મંડળની ટીમે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું.
આયોજકોના જણાવ્યા મુજબ સ્પીડી ખો ખો જેવી નવીન રમતને પ્રોત્સાહન આપવા અને યુવા ખેલાડીઓને વધુ તકો પૂરી પાડવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાને ખેલાડીઓ અને રમતપ્રેમીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.




