ડાકોરમાં મોટી દુર્ઘટના ટળી! મંદિરથી 20 ફૂટ દૂર જર્જરિત ઈમારત ધરાશાયી


ડાકોરમાં મોટી દુર્ઘટના ટળી! મંદિરથી 20 ફૂટ દૂર જર્જરિત ઈમારત ધરાશાયી


ખેડા ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે મોટી દુર્ઘટના ટળી છે. રણછોડરાયજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી અંદાજે 20 ફૂટ દૂર આવેલી એક જર્જરિત ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.
ઈમારત ધરાશાયી થતાં તેનો કાટમાળ નીચે આવેલી બે દુકાનો પર પડ્યો હતો, જેના કારણે દુકાનોને નુકસાન પહોંચ્યું છે. ઘટનાના સમયે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ સામે આવ્યા નથી.
ખાસ વાત એ છે કે માત્ર બે દિવસ બાદ ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર છે, જ્યારે ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડે છે. જો આ જર્જરિત ઈમારત ગુરુ પૂર્ણિમાના દિવસે ધરાશાયી થઈ હોત, તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી.
ઘટના બાદ સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગોની ટીમો સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે. આસપાસની અન્ય જર્જરિત ઈમારતોની પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




