મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ જગન્નાથ મંદિરની પાંચમી રથયાત્રાને લીલીઝંડી આપી,


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ જગન્નાથ મંદિરની પાંચમી રથયાત્રાને લીલીઝંડી આપી,


ગાંધીનગર: આષાઢી બીજના પાવન અવસરે ગાંધીનગર જિલ્લાના અડાલજ સ્થિત શ્રી જગન્નાથ મંદિરમાંથી નીકળેલી પાંચમી ભવ્ય રથયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મહાપ્રભુ શ્રી જગન્નાથજીના દર્શન કરીને 'પહિન્દ વિધિ' અને મંગળ આરતીમાં ભાગ લીધો તેમજ રાજ્યના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
સવારે 9 વાગ્યે શરૂ થયેલી આ રથયાત્રા પહેલાં મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું ફૂલહાર અને પરંપરાગત સાફો પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ જય જગન્નાથના જયઘોષ વચ્ચે ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.
અડાલજથી પ્રસ્થાન કરેલી રથયાત્રા શનિ મંદિર, ઉવારસદ બ્રિજ અને અડાલજ સર્કલ માર્ગે મા અન્નપૂર્ણા મંદિર સુધી પહોંચશે. ત્યાં તમામ ભક્તો માટે મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વિરામ બાદ રથયાત્રા ફરી પોતાના નિર્ધારિત માર્ગે મંદિર પરત ફરશે.
રથયાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર રૂટ પર સુરક્ષા અને ટ્રાફિકની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે.




