આણંદના ચિખોદરામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે હાથ ધર્યા બચાવ કામગીરીના પ્રયાસો



આણંદના ચિખોદરામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે હાથ ધર્યા બચાવ કામગીરીના પ્રયાસો



આણંદ આણંદ નજીક આવેલા ચિખોદરા ગામમાં વહેલી સવારે ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ભોલેનાથ ફટાકડા ગોડાઉનમાં અચાનક ભભૂકી ઊઠેલી આગને પગલે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી રહી છે.
આણંદ જિલ્લાના ચિખોદરા ગામ ખાતે આવેલા ભોલેનાથ ફટાકડા ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા.
ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા અને સંપૂર્ણ કાબૂમાં લેવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
ફટાકડાનો જથ્થો હોવાને કારણે આગ વધુ જોખમી બની હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ સહિતના વિવિધ કારણોની દિશામાં તપાસ ચાલી રહી છે. સાથે જ ગોડાઉનમાં ફાયર સેફ્ટીના નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ઘટનાને પગલે સંબંધિત વિભાગો અને સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગના કારણે થયેલા નુકસાનનો અંદાજ પણ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.




