આદિજાતિ વિદ્યાર્થીઓ માટે સરકારની મોટી ભેટ, 139 નવી બસોને મળી લીલી ઝંડી


આદિજાતિ વિદ્યાર્થીઓ માટે સરકારની મોટી ભેટ, 139 નવી બસોને મળી લીલી ઝંડી


ગાંધીનગર: આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધી સમયસર તથા સુરક્ષિત પરિવહન સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત ગાંધીનગરથી વધુ 139 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નવી બસોને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ બસો રાજ્યના વિવિધ આદિજાતિ વિસ્તારોમાં વિદ્યાર્થીઓની અવરજવર માટે કાર્યરત થશે.

રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના સંયુક્ત ઉપક્રમે કુલ 33.84 કરોડ રૂપિયાના ખર્ચે આ નવી બસો શરૂ કરવામાં આવી છે.
સરકારે ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા માટે કુલ 72 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે, જેમાં કુલ 250 બસો આદિજાતિ વિસ્તારોમાં સેવા આપશે.
આ બસ સેવાનો સીધો લાભ આદિજાતિ વિસ્તારના 4100થી વધુ વિદ્યાર્થીઓને મળશે. ખાસ કરીને અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને શાળા-કોલેજ સુધી પહોંચવામાં સરળતા રહેશે. આ સુવિધાથી કન્યા કેળવણી અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળશે, તેમજ શાળામાં નિયમિત હાજરી વધવાની અને ડ્રોપઆઉટ દર ઘટવાની આશા છે.

તમામ બસોને GPS સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે. વેબ પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓની મુસાફરી, બસ રૂટ, પાસ નંબર અને અન્ય વિગતોનું મોનિટરિંગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગયા વર્ષે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેથી આ યોજનાની શરૂઆત કરીને પ્રથમ તબક્કામાં 111 બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી. હવે વધુ 139 બસો ઉમેરાતા આ સેવા વધુ વિસ્તૃત બની છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળી સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.




