અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વધુ એક મોટી સિદ્ધિ, અનુપમ ફ્લાયઓવર પર 80 મીટર લાંબો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ


અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વધુ એક મોટી સિદ્ધિ, અનુપમ ફ્લાયઓવર પર 80 મીટર લાંબો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ


અમદાવાદ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા અમદાવાદના અનુપમ ફ્લાયઓવર (રેલવે ઓવરબ્રિજ) ઉપર 80 મીટર લાંબા 'મેક ઇન ઇન્ડિયા' સ્ટીલ બ્રિજનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
અનુપમ ફ્લાયઓવર પશ્ચિમ રેલવેના અમદાવાદ-મુંબઈ મુખ્ય રેલ માર્ગ (સાબરમતી-વટવા સેક્શન) પર આવેલો મહત્વપૂર્ણ રોડ ઓવરબ્રિજ છે, જે ખોખરા એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન અને કાંકરિયા લેકને જોડે છે. બુલેટ ટ્રેનનો વાયાડક્ટ આ રેલવે લાઇનની સમાંતર પસાર થાય છે.
અમદાવાદ જિલ્લામાં બુલેટ ટ્રેનના વાયાડક્ટનું મોટાભાગનું નિર્માણ સ્પાન-બાય-સ્પાન (Span-by-Span) પદ્ધતિથી થઈ રહ્યું છે, જેમાં સામાન્ય રીતે 30થી 50 મીટરના સ્પાન હોય છે. જોકે અનુપમ ફ્લાયઓવર પર પિલર બંને બાજુ બનાવવા પડતાં અહીં 80 મીટર લાંબા વિશેષ સ્ટીલ બ્રિજની જરૂરિયાત ઉભી થઈ હતી.
આ સ્ટીલ બ્રિજનું કુલ વજન 1,004 મેટ્રિક ટન, ઊંચાઈ 14 મીટર અને પહોળાઈ 14.4 મીટર છે. તેનું નિર્માણ મહારાષ્ટ્રના વર્ધા (નાગપુર) સ્થિત ઝેટવર્કની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ખાસ વ્યવસ્થા દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
બ્રિજને લોન્ચ કરવા માટે 10.8 મીટર × 140 મીટરનું વિશાળ ટેમ્પરરી લોન્ચિંગ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું, જેનું વજન આશરે 1,110 મેટ્રિક ટન હતું. જમીનથી આશરે 18 મીટરની ઊંચાઈએ ટેમ્પરરી ટ્રેસ્ટલ્સ પર બ્રિજનું એસેમ્બલી કામ કરવામાં આવ્યું હતું. તેમાં 18 સ્કિડ સિસ્ટમ અને 35,602 ટોર-શિયર ટાઇપ હાઈ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટ્સનો ઉપયોગ કરીને મજબૂત જોડાણ કરવામાં આવ્યું હતું.
બ્રિજને લાંબા ગાળે ટકાઉ બનાવવા માટે તેમાં C5 પ્રોટેક્ટિવ પેઇન્ટિંગ સિસ્ટમ અને ઇલાસ્ટોમેરિક બેરિંગ્સ લગાવવામાં આવ્યા છે, જે કંપન ઘટાડવામાં અને બ્રિજની આયુષ્ય વધારવામાં મદદરૂપ બનશે.
એસેમ્બલી પૂર્ણ થયા બાદ હાઇડ્રોલિક જેક્સની મદદથી સમગ્ર સ્ટીલ બ્રિજને ટેમ્પરરી સ્ટ્રક્ચર પર લોન્ચ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થાનિક સત્તાધીશો પાસેથી ટ્રાફિક બ્લોક મેળવીને તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રિજને ચોક્કસ સ્થાન પર ગોઠવવા માટે સાઇડ સ્લ્યુ (Side Slew) પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.
આ સિદ્ધિ સાથે ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે આયોજન કરાયેલા કુલ 17 સ્ટીલ બ્રિજમાંથી 15 બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે સમગ્ર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 28 સ્ટીલ બ્રિજ બનાવવાના આયોજનમાંથી આ મહત્વપૂર્ણ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આ નવી સિદ્ધિને ભારતની આધુનિક એન્જિનિયરિંગ ક્ષમતા અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.




