અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ વિરોધી મેગા ડ્રાઇવ: 44 બાળકોનું રેસ્ક્યૂ



ફાઈલ ફોટો
અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ વિરોધી મેગા ડ્રાઇવ: 44 બાળકોનું રેસ્ક્યૂ



ફાઈલ ફોટો
અમદાવાદ: અમદાવાદને ભિક્ષુકમુક્ત શહેર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને ગુજરાત સરકારના સામાજિક સુરક્ષા વિભાગે સંયુક્ત રીતે શહેરમાં વિશેષ ભિક્ષાવૃત્તિ વિરોધી અભિયાન હાથ ધર્યું હતું.
શહેરના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા 41થી વધુ હોટસ્પોટ વિસ્તારોમાં આ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. અભિયાન દરમિયાન બાળકો સહિત અનેક ભિખારીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
રેસ્ક્યૂ કરાયેલા 44 બાળકોને આગળની કાનૂની અને સુરક્ષાત્મક કાર્યવાહી માટે ચાઈલ્ડ વેલફેર કમિટી (CWC) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કમિટીના નિર્દેશ અનુસાર ચાર બાળકોને બાળ સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 40 બાળકોને તેમના માતા-પિતા પાસે પરત સોંપવામાં આવ્યા હતા. સાથે જ માતા-પિતાઓ પાસેથી ભવિષ્યમાં બાળકોને ભિક્ષાવૃત્તિ માટે મજબૂર નહીં કરવામાં આવે તેવી બાંહેધરી લેવામાં આવી હતી.
અભિયાન દરમિયાન ભિક્ષાવૃત્તિ કરતા ઝડપાયેલા 15 પુરુષો અને 5 મહિલાઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ બાદ પુરુષોને ઓઢવ ભિખારી ગૃહ અને મહિલાઓને દભોડા ભિખારી ગૃહમાં ખસેડવામાં આવ્યા હતા.
AMCએ જણાવ્યું હતું કે શહેરને ભિક્ષુકમુક્ત બનાવવા માટે પોલીસ અને અન્ય સરકારી વિભાગોના સહયોગથી આગામી દિવસોમાં પણ આવા સંયુક્ત અભિયાનો ચાલુ રાખવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ ભિક્ષાવૃત્તિ પર નિયંત્રણ લાવવાનો અને ખાસ કરીને બાળકોને આ પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી તેમને સુરક્ષિત અને સન્માનજનક જીવન તરફ દોરી જવાનો છે.




