ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું ફાઈટર જેટ F-15, પાયલટને જીવતા પકડવાનો દાવો



ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું ફાઈટર જેટ F-15, પાયલટને જીવતા પકડવાનો દાવો



USA Iran Conflict: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાન તરફથી એક મોટો દાવો સામે આવ્યો છે. ઈરાનની સ્થાનિક મીડિયા મુજબ, અમેરિકન લડાકૂ વિમાનને નિશાન બનાવ્યા બાદ તેના પાઇલટને કબજે કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે પ્રદેશમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ મધ્ય ઈરાનના આકાશમાં અમેરિકી ફાઈટર જેટ તોડી પાડ્યાનો દાવો કર્યો છે. ઈરાની ન્યૂઝ એજન્સી 'તસ્નીમ' ના અહેવાલ મુજબ, વિમાન ક્રેશ થયા બાદ પાયલોટ પેરાશૂટ દ્વારા ઈરાની સરહદમાં ઉતર્યો હતો, જ્યાં સ્થાનિક સૈન્ય ટુકડીઓએ તેને પકડી લીધો હોવાની પ્રબળ શક્યતા છે. અમેરિકી સેનાએ પોતાના પાયલોટને બચાવવા માટે બ્લેક હોક હેલિકોપ્ટર અને હર્ક્યુલસ C-130 વિમાન દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ ઈરાનનો દાવો છે કે આ અભિયાન નિષ્ફળ રહ્યું છે અને એક અમેરિકી હેલિકોપ્ટરને પણ તોડી પાડવામાં આવ્યું છે.
આ ઘટનાની વિગતો મુજબ, ઈરાનના કોહગિલુયેહ અને બોયર-અહમદ પ્રાંતમાં અમેરિકી વિમાનનો કાટમાળ જોવા મળ્યો હતો. તસ્નીમ ન્યૂઝ એજન્સીના સંવાદદાતાએ જણાવ્યું હતું કે વિમાન નષ્ટ થયા બાદ પાયલોટે ઈજેક્ટ કર્યું હતું અને તે ઈરાની ક્ષેત્રની અંદર ઉતર્યો હતો. શરૂઆતી માહિતી સૂચવે છે કે અમેરિકી સેનાએ પાયલોટને શોધવા અને તેને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારે પ્રયાસો કર્યા હતા, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પાયલોટ અત્યારે ઈરાની સૈન્યના કબજામાં છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા અમેરિકી પેન્ટાગોનમાં હલચલ મચી ગઈ છે, કારણ કે પોતાના પાયલોટનું દુશ્મન દેશના હાથે પકડાવવું એ અમેરિકા માટે મોટો વ્યૂહાત્મક આંચકો છે.
આ પણ વાંચો: ઇંધણ પર સરચાર્જ વધતા સરકાર એક્શનમાં, ફ્લાઇટ ટિકિટના ભાવ વધતા અટકશે?
ઈરાનની સૈન્ય સંસ્થા IRGC એ શુક્રવારે સત્તાવાર જાહેરાત કરી હતી કે IRGC એરોસ્પેસ ફોર્સની નવી એડવાન્સ ડિફેન્સ સિસ્ટમે બીજું અમેરિકી ફાઈટર જેટ નષ્ટ કર્યું છે. ઈરાનનો દાવો છે કે આ વિમાન અમેરિકાની પ્રખ્યાત 'લેકનહીથ' (Lakenheath) સ્ક્વોડ્રનનું હતું. જોકે, આંતરરાષ્ટ્રીય સંરક્ષણ નિષ્ણાતો વિમાનના પ્રકારને લઈને શંકા વ્યક્ત કરી રહ્યા છે. ઈરાને તેને F-35 ગણાવ્યું હતું, જે અમેરિકાનું સૌથી ઘાતક સ્ટેલ્થ ફાઈટર છે, પરંતુ પાયલોટ અને વિમાનના અવશેષો જોતા તે F-15E હોવાનું જણાય છે. આ વિવાદ છતાં, હકીકત એ છે કે અમેરિકાનું એક શક્તિશાળી વિમાન અત્યારે ઈરાની ધરતી પર કાટમાળ બનીને પડ્યું છે.
પાયલોટને બચાવવા માટે અમેરિકાએ કરેલા પ્રયાસો પણ ઈરાને નિષ્ફળ બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. ઈરાની મીડિયા મુજબ, જ્યારે પાયલોટ પેરાશૂટથી ઉતર્યો ત્યારે તેને લેવા માટે અમેરિકાના કેટલાક હેલિકોપ્ટરો ઈરાની સરહદમાં ચક્કર લગાવી રહ્યા હતા. ઈરાની સેનાએ દાવો કર્યો છે કે તેમણે આ દરમિયાન એક 'બ્લેક હોક' હેલિકોપ્ટરને પણ નિશાન બનાવીને તોડી પાડ્યું છે. જો આ વાત સાચી હોય, તો તેનો અર્થ એ થાય કે અમેરિકાએ પાયલોટની સાથે સાથે વધુ સૈન્ય સંસાધનો અને જવાનો પણ ગુમાવ્યા હોઈ શકે છે. અમેરિકી સેનાએ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ડ્રોન અને વિમાનોની હિલચાલ તેજ થઈ ગઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રસ્તાઓનું નેટવર્ક બનશે વધુ મજબૂત: ₹3,400 કરોડથી 5,700 કિમી રસ્તાઓનું રિસરફેસિંગ થશે
આ ઘટના બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની જ્વાળાઓ વધુ ભીષણ બની શકે છે. જો ખરેખર અમેરિકી પાયલોટ ઈરાનના કબજામાં હશે, તો ઈરાન તેને સોદાબાજી માટે 'હ્યુમન શિલ્ડ' અથવા રાજદ્વારી દબાણ તરીકે ઉપયોગ કરી શકે છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન પોતાના જવાનને છોડાવવા માટે વધુ આક્રમક સૈન્ય કાર્યવાહી કરી શકે છે, જેના સંકેત ટ્રમ્પે અગાઉ પણ આપ્યા હતા. હાલમાં આખું વિશ્વ આ વાયરલ વીડિયો અને તસવીરોની સત્યતા તપાસી રહ્યું છે, કારણ કે આ એક ઘટના પશ્ચિમ એશિયાના નકશા પર મોટા ફેરફારો લાવી શકે છે.




