વિરાટ કોહલીને શૂન્ય પર આઉટ કરનાર પ્રિન્સ યાદવને કોની સલાહ મળી હતી?



વિરાટ કોહલીને શૂન્ય પર આઉટ કરનાર પ્રિન્સ યાદવને કોની સલાહ મળી હતી?



લખનૌ: IPL 2026 માં જો કોઈ યુવા ફાસ્ટ બોલરે પોતાના પ્રદર્શનથી સૌથી વધુ પ્રભાવિત કર્યા હોય, તો તે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના જમણા હાથના ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ છે. ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે શાનદાર બોલિંગ કરીને પ્રિન્સે પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રિન્સે વિરાટ કોહલીને બોલ્ડ કર્યો હતો, જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.
મેચ પછી જ્યારે પ્રિન્સ યાદવને તેની બોલિંગ અને વિરાટની વિકેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું:
"ગઈ મેચ પછી, હું વિરાટ ભાઈ સાથે વાત કરી રહ્યો હતો. તેમણે મને ફક્ત એટલું જ કહ્યું હતું કે, 'જે લેન્થ પર મદદ મળી રહી હોય, તે જ લેન્થ પર બોલિંગ કરતા રહો.' મેં એ જ સલાહ માની."
આ રીતે વિરાટની સલાહને જ પ્રિન્સે તેમની સામે હથિયાર તરીકે વાપરી અને તેમની વિકેટ ઝડપી. પ્રિન્સે 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે વિરાટ ઉપરાંત દેવદત્ત પડિક્કલ અને જીતેશ શર્માને પણ આઉટ કર્યા હતા. તેની ઘાતક બોલિંગને કારણે જ 213 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી RCB 203 રન જ બનાવી શકી અને મેચ 9 રનથી હારી ગઈ. LSG માટે મિશેલ માર્શે સદી ફટકારી હતી અને 56 બોલમાં 111 રનની ઇનિંગ રમી હતી.
પ્રિન્સ યાદવ આ સીઝનમાં LSG નો સૌથી સફળ બોલર છે અને 10 મેચમાં 16 વિકેટ ઝડપી ચૂક્યો છે. તે ભુવનેશ્વર અને અંશુલ કંબોજ પછી આ સીઝનનો ત્રીજો સૌથી સફળ બોલર પણ છે.




