શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, સાઈ સુદર્શનની જગ્યાએ સરફરાઝ ખાનની એન્ટ્રી


શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, સાઈ સુદર્શનની જગ્યાએ સરફરાઝ ખાનની એન્ટ્રી


નવી દિલ્હી: શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. સાઈ સુદર્શન ઈજાના કારણે બે ટેસ્ટ મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયા છે અને તેમની જગ્યાએ સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. BCCIએ 9 ઓગસ્ટે આ ફેરફારની સત્તાવાર જાહેરાત કરી છે.
સાઈ સુદર્શનને અંગૂઠામાં ઈજા
BCCIના જણાવ્યા અનુસાર સાઈ સુદર્શનના જમણા પગના અંગૂઠામાં સ્ટ્રેસ રિએક્શન થયું છે. તેઓ હાલ બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે અને ઈજામાંથી રિકવર થઈ રહ્યા છે. BCCIની મેડિકલ ટીમ તેમની રિકવરી પર નજર રાખી રહી છે.
સરફરાઝ ખાનની ટીમમાં વાપસી
મેન્સ સિલેક્શન કમિટીએ સાઈ સુદર્શનના સ્થાને સરફરાઝ ખાનને 15 સભ્યોની ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. સરફરાઝ શ્રીલંકા સામેની સિરીઝ માટે ટીમ સાથે જોડાશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝ 15 ઓગસ્ટ 2026થી શરૂ થશે, જ્યારે પ્રથમ ટેસ્ટ ગાલેમાં રમાશે.
લગભગ બે વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી
સરફરાઝ ખાને ફેબ્રુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેમણે ભારત માટે 6 ટેસ્ટ મેચની 11 ઈનિંગ્સમાં 371 રન બનાવ્યા છે. તેમના નામે 3 અડધી સદી અને 1 સદી છે, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 150 રન છે. સરફરાઝે છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર 2024માં ન્યૂઝીલેન્ડ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમી હતી. હવે સાઈ સુદર્શનના બહાર થવાથી તેમને ફરી એકવાર ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે.
ભારતીય ટેસ્ટ ટીમ
શુભમન ગિલ (કપ્તાન), કેએલ રાહુલ (ઉપ-કપ્તાન), યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાર, દેવદત્ત પડિક્કલ, સારાંશ જૈન, આકિબ નબી અને સરફરાઝ ખાન.
હવે નજર પ્લેઇંગ-11 પર
સરફરાઝ ખાનની ટીમમાં વાપસી થઈ છે, પરંતુ તેમને પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ-11માં સ્થાન મળશે કે નહીં તે હજુ નક્કી નથી. ટીમ મેનેજમેન્ટ પાસે બેટિંગ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવાનો રહેશે.




