હોંગકોંગમાં રાજપીપળાની ફલક વસાવાની સફળ ઉડાન, એશિયન ચેમ્પિયનશિપમાં મેળવ્યું પાંચમું સ્થાન



હોંગકોંગમાં રાજપીપળાની ફલક વસાવાની સફળ ઉડાન, એશિયન ચેમ્પિયનશિપમાં મેળવ્યું પાંચમું સ્થાન



રાજપીપળા: નર્મદા જિલ્લાના રાજપીપળાની દીકરી ફલક વસાવાએ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગ ખાતે તા. 23 અને 24 મે, 2026 દરમિયાન યોજાયેલી ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશિપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
નર્મદાની ધરતી પરથી ઉડીને એશિયન સ્તરે પોતાની પ્રતિભાનો પરચો આપનાર ફલક વસાવાની આ સિદ્ધિ અનેક યુવા ખેલાડીઓ, ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણાનું પ્રતિક બની છે. મર્યાદિત સંસાધનો વચ્ચે સતત મહેનત, દૃઢ સંકલ્પ અને આત્મવિશ્વાસના બળ પર ફલકે આ મુકામ હાંસલ કર્યો છે. ફલક વસાવાએ પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા, કોચ ડૉ. હિમાંશુ દવે તેમજ પોતાના માર્ગદર્શકોને આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, પરિવાર અને કોચના સતત પ્રોત્સાહન તથા માર્ગદર્શનના કારણે જ તેઓ આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી શક્યા છે.
ફલકે જણાવ્યું કે હવે તેમનું આગામી લક્ષ્ય વર્ષ 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે. આ માટે તેઓ વધુ કઠિન તાલીમ અને સમર્પણ સાથે તૈયારી કરશે. રાજપીપળાની આ દીકરીની સિદ્ધિને લઈને સમગ્ર નર્મદા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા ફલકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



