કડીમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ



કડીમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ



Mehsana Police Combing: મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો પર નજર રાખવા માટે 100થી વધુ પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ઓપરેશન દરમિયાન પોદલપરા વિસ્તારમાં બાવળની ઝાડીઓ વચ્ચે ડ્રોનની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ચાલુ હાલતમાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસે કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી દારૂ તેમજ દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂ. 82,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ટ્રાફિક નિયમોના અમલ માટે વિશેષ ઝૂંબેશ પણ ચલાવવામાં આવી હતી. પોલીસે વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ 46 વાહનો સામે કાર્યવાહી કરી હતી, જ્યારે 11 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થળ પર જ વાહનચાલકો પાસેથી રૂ. 9,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા વિસ્તારના કુલ 81 હિસ્ટ્રીશિટર અને એમ.સી.આર. (મોનિટરિંગ ક્રિમિનલ રજિસ્ટર) હેઠળ નોંધાયેલા શખ્સોની પણ ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ કડી શહેરમાં આવેલી હોટલો, ઢાબાઓ અને ગેસ્ટહાઉસમાં તપાસ હાથ ધરી તેમના રજિસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ગુનાખોરી પર નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે આવી કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે.




