દારૂબંધીના કડક અમલ વચ્ચે મોટી કાર્યવાહી, લાખો રૂપિયાનો દારૂ નાશ કર્યો



દારૂબંધીના કડક અમલ વચ્ચે મોટી કાર્યવાહી, લાખો રૂપિયાનો દારૂ નાશ કર્યો



અમદાવાદ: રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે વિદેશી દારૂના જથ્થાનો કાયદેસર નાશ કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધંધુકા, ધોલેરા અને બગોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં ઝડપાયેલ દારૂનો જથ્થો ડમ્પિંગ સાઈટ પર નષ્ટ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી આસિસ્ટન્ટ કલેક્ટર વિદ્યા સાગર સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા કાયદેસરની માર્ગદર્શિકા મુજબ પૂર્ણ કરવામાં આવી હતી. નશાબંધી અને આબકારી ખાતાના અધિકારીઓ સાથે સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.
મળતી માહિતી મુજબ કુલ 93,426 વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત અંદાજે રૂ. 4,19,70,573 હોવાનું જણાવાયું છે. પોલીસ દ્વારા અગાઉ વિવિધ દરોડા અને ચેકિંગ દરમિયાન આ જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો, જે બાદ કોર્ટની મંજૂરી અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દારૂની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ તથા નશાબંધી વિભાગ સતત સતર્ક છે. આવી કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના ધંધા પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષાના પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને દારૂના જથ્થાનો સંપૂર્ણ નાશ થાય તેની તકેદારી રાખવામાં આવી હતી.




