રાજકોટમાં યુવતીના આંતરધર્મીય લગ્ન મામલે વિવાદ, પરિવાર અને VHP આગેવાનો મેદાને



રાજકોટમાં યુવતીના આંતરધર્મીય લગ્ન મામલે વિવાદ, પરિવાર અને VHP આગેવાનો મેદાને



રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક આંતરધર્મીય લગ્નનો મામલો ચર્ચામાં આવ્યો છે. શહેરના ઓમનગર સર્કલ નજીક રહેતી 24 વર્ષીય યુવતી અને અન્ય ધર્મના યુવક વચ્ચે લગ્ન નોંધણીની પ્રક્રિયા શરૂ થતાં મામલો વિવાદમાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, યુવતી અને અફઝલ દલ નામનો યુવક શહેરના એક ખાનગી મોલમાં સાથે નોકરી કરતા હતા. નોકરી દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો. બાદમાં યુવકે એપ્રિલ માસ દરમિયાન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી માટે અરજી કરી હતી.
લગ્ન નોંધણીની માહિતી યુવતીના પરિવારજનો સુધી પહોંચતા તેમણે જ્ઞાતિના આગેવાનોનો સંપર્ક કર્યો હતો. પરિવારજનોના કહેવા મુજબ, બાદમાં જ્ઞાતિ આગેવાનોની રજૂઆત બાદ લગ્ન નોંધણી માટે કરવામાં આવેલી અરજી રદ કરાવવામાં આવી હતી.
હાલ યુવતીને નારી સુરક્ષા ગૃહમાં રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતીના પરિવારજનોએ તેમની પુત્રીને પરિવારને પરત સોંપવાની માંગ કરી છે. સાથે જ યુવતીના વિધર્મી યુવક સાથે લગ્ન ન કરાવવા માંગ ઉઠાવવામાં આવી છે.
આ સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પણ પરિવાર સાથે જોડાયા હોવાનું સામે આવ્યું છે. હાલ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.




