CM Bhupendra Patel વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે અમેરિકા-કેનેડા પ્રવાસે રવાના

CM Bhupendra Patel : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 ઓગસ્ટની વહેલી પરોઢે અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા છે. મુખ્યમંત્રીનો આ વિદેશ પ્રવાસ આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકા અને કેનેડાના રોકાણકારો તથા ઉદ્યોગ મંડળો સાથે બેઠકો યોજીને ગુજરાતમાં વધુને વધુ વિદેશી મૂડીરોકાણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.
Growth Now News
Growth Now News
CM Bhupendra PatelCM Bhupendra Patel

CM Bhupendra Patel

CM Bhupendra Patel : મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલીગેશન અમેરિકા અને કેનેડાના વિવિધ શહેરોમાં રોકાણકારો, ઉદ્યોગપતિઓ, ઉભરતી ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ ગુજરાતી સમુદાયના પ્રતિનિધિઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને વન-ટુ-વન બેઠકો યોજશે. આ બેઠકો દરમિયાન ગુજરાતમાં ઉપલબ્ધ ઔદ્યોગિક તકો, રોકાણની સંભાવનાઓ અને રાજ્યની વિકાસગાથા અંગે રજૂઆત કરવામાં આવશે.

અમેરિકા-કેનેડામાં ગુજરાતની વિકાસગાથા રજૂ કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવાસ દરમિયાન અમેરિકા ખાતે વોશિંગ્ટન ડી.સી., ન્યુયોર્ક અને સાન ફ્રાન્સિસ્કોની મુલાકાતનો કાર્યક્રમ છે. ત્યારબાદ ગુજરાત ડેલીગેશન કેનેડાના ટોરેન્ટો શહેરમાં પણ વિવિધ ઉદ્યોગ અને રોકાણ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતોનો મુખ્ય હેતુ ગુજરાતને વૈશ્વિક રોકાણના મહત્વના કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવાનો અને નવા રોકાણકારોને રાજ્ય સાથે જોડવાનો છે. આ ઉપરાંત આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અમેરિકા અને કેનેડાના રોકાણકારો, ઉદ્યોગપતિઓ તથા બિઝનેસ લીડર્સને ભાગ લેવા માટે આમંત્રણ પણ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે આ પ્રવાસને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

વૈશ્વિક રોકાણકારોને ગુજરાત સાથે જોડવાનો પ્રયાસ
મુખ્યમંત્રી સાથેના પ્રતિનિધિમંડળમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર તથા અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને રાજ્યના ઉદ્યોગ-વેપાર જગતનું પ્રતિનિધિમંડળ સામેલ છે. અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રીના પ્રસ્થાન સમયે કલેક્ટર ભવ્ય વર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીને સફળ વિદેશ પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીનો આ પ્રવાસ ગુજરાતમાં નવા રોકાણ, ઉદ્યોગો અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારી વધારવા તેમજ આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે વૈશ્વિક સ્તરે રોકાણકારોને આકર્ષવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ બની શકે છે.