અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો! એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો



અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો! એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો



અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરીને મોટો ખુલાસો કર્યો છે. આરોપી તરીકે 40 વર્ષીય ભાવેશ અમૃતભાઈ પટેલની ઓળખ થઈ છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપીને અમદાવાદ શહેરમાંથી ઝડપી પાડ્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ “bhavesh4518@gmail.com ” આઈડી પરથી એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો ઈ-મેલ મોકલ્યો હતો. 25 માર્ચ 2026ના રોજ મોકલાયેલા આ મેઈલમાં ગુજસેલ એરપોર્ટને EID મારફતે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ અગાઉ સાયબર ક્રાઈમ દ્વારા ઝડપાયેલા સૌરભ વિશ્વાસને મુક્ત કરવાની માંગણી પણ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસ મુજબ આરોપી ભાવેશ પટેલ અગાઉ એરપોર્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલો હતો અને હાલ કન્સ્ટ્રક્શન તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. તેની મહિલા મિત્ર ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કરતી હતી અને અંગત અદાવતના કારણે આ ધમકીભર્યો ઈ-મેલ મોકલાયો હોવાની માહિતી મળી રહી છે.
સાયબર ક્રાઈમ પોલીસે આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન મોબાઈલના રિસાયકલ બીનમાંથી ડિલીટ કરાયેલ ધમકીભર્યો ઈ-મેલ પણ મળી આવ્યો હતો, જેને આધારે આરોપી વિરુદ્ધ મહત્વના પુરાવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે અંદાજે ત્રણ મહિના પહેલા પણ અમદાવાદ સાયબર ક્રાઈમે ધમકીભર્યા ઈ-મેલ કેસમાં સૌરભ વિશ્વાસ નામના આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસે ભાવેશ પટેલના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ હવે આ ગુનાના મૂળ કારણો, અન્ય કોઈની સંડોવણી, તેમજ આરોપી કોઈ આતંકવાદી સંગઠન અથવા દેશવિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે કે નહીં તે દિશામાં પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે.




