અમદાવાદમાં BSNLના અંડરગ્રાઉન્ડ વાયર ચોરી કાંડનો પર્દાફાશ, 6થી 7 શખ્સ ઝડપાયા



અમદાવાદમાં BSNLના અંડરગ્રાઉન્ડ વાયર ચોરી કાંડનો પર્દાફાશ, 6થી 7 શખ્સ ઝડપાયા



અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં ભુદરપુરા બ્રિજ નીચે BSNLના અંડરગ્રાઉન્ડ વાયર ચોરી કરતી ગેંગને એલિસબ્રિજ પોલીસે રાત્રિના સમયે ઝડપી પાડી છે. પ્રાથમિક માહિતી મુજબ, છેલ્લા ત્રણેક દિવસથી કેટલાક લોકો અંડરગ્રાઉન્ડ કેબલ કાઢવાની કામગીરી કરી રહ્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ પૂછપરછ કરતા તેઓ પોતાને સરકારી કર્મચારી જણાવી કામ કરતા હોવાનું કહેતા હતા.
જોકે, એક સંસ્થાના કર્મચારીને તેમની હરકતો પર શંકા જતા વધુ પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન સમગ્ર મામલો શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચતા જ ત્યાં કામ કરી રહેલા કેટલાક લોકો નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે કાર્યવાહી કરીને 6થી 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ BSNLના અંડરગ્રાઉન્ડ વાયર કાઢી ચોરી કરતા હતા. હાલ પોલીસે કેટલા પ્રમાણમાં વાયર ચોરાયો છે, વાયર કેવી રીતે કાઢવામાં આવતો હતો અને આ કામગીરી કેટલા દિવસથી ચાલી રહી હતી તે સહિતના મુદ્દાઓ પર તપાસ શરૂ કરી છે.
એલિસબ્રિજ પોલીસ દ્વારા ઝડપાયેલા શખ્સોની પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.




