વલસાડમાં ATS-SOGનું મેગા ઓપરેશન : વાપીના ગોડાઉનમાં કરોડોનું MD ડ્રગ્સ ઝડપાયું



વલસાડમાં ATS-SOGનું મેગા ઓપરેશન : વાપીના ગોડાઉનમાં કરોડોનું MD ડ્રગ્સ ઝડપાયું



વલસાડ : વલસાડ જિલ્લામાં ગુજરાત ATS અને સ્થાનિક SOGની સંયુક્ત ટીમે મોટું મેગા ઓપરેશન પાર પાડી વાપીમાં ચાલી રહેલા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. વાપીના કુંતા ગામ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી અને ગોડાઉન પર દરોડા પાડતા કરોડો રૂપિયાનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપાયું છે.
માહિતી અનુસાર, ગુજરાત ATS અને વલસાડ SOGએ બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ગોડાઉન અને ફેક્ટરીમાં મોટા પાયે નશીલા પદાર્થોનું ઉત્પાદન અને સંગ્રહ થતો હોવાનો ખુલાસો થયો હતો. ટીમે દરોડા દરમિયાન અંદાજે 1.5થી 2 કિલો જેટલું MD ડ્રગ્સ જપ્ત કર્યું છે.
આ ઉપરાંત ડ્રગ્સ બનાવવા માટે વપરાતા રો મટીરિયલનો પણ મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર ઓપરેશન દરમિયાન નશાના નેટવર્ક સાથે જોડાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઔદ્યોગિક નગરી વાપીમાં ફેક્ટરીના આડમાં ડ્રગ્સનું ગેરકાયદેસર નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. ATS અને SOGની ટીમ હવે આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું અને તેનું સપ્લાય ક્યાં કરવામાં આવતું હતું.
વાપીમાં કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. હાલ ATS અને SOG દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ નશાના રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.




