Get News Alerts

Never miss breaking news updates.

હવે IPLમાં નહીં ચાલે મનમાની! નિયમ તોડનાર ખેલાડી સીધો સસ્પેન્ડ થશે

IPL 2026: ખેલાડીઓ અને માલિકો માટે BCCIની નવી ‘લક્ષ્મણ રેખા’, નિયમ તોડ્યો તો આખા સીઝન માટે થશે સસ્પેન્ડ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 દરમિયાન વધતા પ્રોટોકોલ ભંગના કેસોને લઈને BCCI હવે એક્શન મોડમાં આવી ગયું છે. ખેલાડીઓથી લઈને ટીમ માલિકો સુધી દરેક માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હોટેલ રૂમ, ડગઆઉટ, ડ્રેસિંગ રૂમ અને ખેલાડીઓની વ્યક્તિગત હલચલ પર પણ હવે બોર્ડની નજર રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારે દંડથી લઈને આખી સીઝન માટે સસ્પેન્શન સુધીની કાર્યવાહી થઈ શકે છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 08 May 2026 01:18 PM IST
હવે IPLમાં નહીં ચાલે મનમાની! નિયમ તોડનાર ખેલાડી સીધો સસ્પેન્ડ થશેહવે IPLમાં નહીં ચાલે મનમાની! નિયમ તોડનાર ખેલાડી સીધો સસ્પેન્ડ થશે

ફાઈલ ફોટો

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 દરમિયાન શિસ્ત અને સુરક્ષાને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે તમામ 10 ફ્રેન્ચાઈઝીઓ માટે 8 પાનાની વિગતવાર એડવાઈઝરી જારી કરી છે. જેમાં ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ખાસ કરીને ટીમ માલિકો માટે કડક પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા છે.

શા માટે લેવાયો આ નિર્ણય?
BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સીઝનમાં પ્રોટોકોલ ઉલ્લંઘનના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. એન્ટી કરપ્શન એન્ડ સિક્યોરિટી યુનિટ (ACSU) ના રિપોર્ટના આધારે આ નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, જેથી ટુર્નામેન્ટની પ્રતિષ્ઠાને કોઈ આંચ ન આવે.

BCCIની નવી ગાઈડલાઈન: શું છે નવા નિયમો?
બાહ્ય વ્યક્તિઓ પર પ્રતિબંધ: ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફના હોટેલ રૂમમાં કોઈ પણ બહારની વ્યક્તિ પરવાનગી વગર પ્રવેશી શકશે નહીં.

મંજૂરી અનિવાર્ય: ખેલાડીઓએ હોટેલની બહાર જતાં પહેલાં સિક્યોરિટી લાયઝન ઓફિસર (SLO) અથવા ટીમ ઈન્ટિગ્રિટી ઓફિસર (TIO) ને જાણ કરવી પડશે અને તેમની મંજૂરી લેવી પડશે.

મૂવમેન્ટ રેકોર્ડ: ખેલાડીઓની દરેક ગતિવિધિનો રેકોર્ડ રાખવામાં આવશે. ખાનગી કે મનોરંજન પ્રવૃત્તિઓની જાણકારી ટીમ મેનેજરને અગાઉથી આપવી પડશે.

ઈ-સિગારેટ પર પ્રતિબંધ: IPL વેન્યુ, ડ્રેસિંગ રૂમ, ડગઆઉટ અને હોટેલોમાં ઈ-સિગારેટ અને વેપિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ટીમ માલિકો માટે ખાસ સૂચના
બોર્ડે ફ્રેન્ચાઈઝી માલિકોના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી છે. હવે લાઈવ મેચ દરમિયાન માલિકો ખેલાડીઓ સાથે વાતચીત કરી શકશે નહીં કે તેમને ગળે લગાવી શકશે નહીં. ડગઆઉટ અને ડ્રેસિંગ રૂમમાં તેમના પ્રવેશ પર પણ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તેમને 'પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ એક્સેસ' (PMOA) પ્રોટોકોલનું પાલન કરવું પડશે.

જો નિયમ તૂટશે તો શું થશે?
BCCI એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિયમોના ઉલ્લંઘન પર આકરી કાર્યવાહી કરવામાં આવશે:

કારણ બતાવો નોટિસ: ફ્રેન્ચાઈઝી કે વ્યક્તિગત ખેલાડીને નોટિસ ફટકારવામાં આવશે.

ભારે દંડ: આર્થિક દંડની સાથે શિસ્તભંગના પગલાં લેવાશે.

સસ્પેન્શન: ગંભીર કિસ્સામાં ખેલાડી કે અધિકારીને ચાલુ સીઝન અથવા આગામી સીઝન માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

કાનૂની કાર્યવાહી: જરૂર પડ્યે કાનૂની એજન્સીઓની મદદ પણ લેવામાં આવશે.

48 કલાકનું અલ્ટીમેટમ: BCCI એ તમામ ફ્રેન્ચાઈઝીઓને આદેશ આપ્યો છે કે તેઓ આગામી 48 કલાકમાં ખેલાડીઓ અને સ્ટાફ સાથે મીટિંગ કરી આ નવા નિયમોની જાણકારી આપે અને તેમની પાસેથી લેખિતમાં સંમતિ મેળવે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.