વિયેતનામ બોટ દુર્ઘટના: 15 ભારતીયોના પાર્થિવ દેહ આજે ભારત લવાશે, સમગ્ર દેશમાં શોકની લાગણી


વિયેતનામ બોટ દુર્ઘટના: 15 ભારતીયોના પાર્થિવ દેહ આજે ભારત લવાશે, સમગ્ર દેશમાં શોકની લાગણી


Vietnam Boat Accident Indian Tourists: વિયેતનામમાં થયેલી દુઃખદ બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 15 ભારતીય નાગરિકોના પાર્થિવ દેહ આજે ભારત લાવવામાં આવશે. વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસે આ અંગે સત્તાવાર માહિતી આપી છે.

મળતી માહિતી મુજબ, ફુ ક્વોક દ્વીપ નજીક ભારતીય પ્રવાસીઓને લઈને જઈ રહેલી પર્યટક બોટ પલટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 15 ભારતીયોના મોત થયા હતા, જેમાં તમિલનાડુના 10 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ પ્રવાસ એક કંપની દ્વારા કર્મચારીઓ માટે રિવોર્ડ ટ્રિપ તરીકે આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ તે કરુણ દુર્ઘટનામાં ફેરવાઈ ગયો.

ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ વિયેતનામ એરલાઈન્સની ફ્લાઈટ VN979 દ્વારા પાર્થિવ દેહ હો ચી મિન્હ સિટીથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાવવામાં આવશે. ત્યારબાદ સંબંધિત રાજ્ય સરકારોના સહયોગથી મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. દૂતાવાસે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને જરૂરી તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.
આ દરમિયાન દક્ષિણ વિયેતનામની પોલીસે આ દુર્ઘટના મામલે બોટના 57 વર્ષીય ચાલક ગુયેન હોંગ હાઈ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે અને તેની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બોટમાં અંદાજે 32 ભારતીય પ્રવાસીઓ સવાર હોવાનું સામે આવ્યું છે. તેમાં તમિલનાડુ ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળના પ્રવાસીઓ પણ સામેલ હતા.

દુર્ઘટના બાદ સ્થાનિક બચાવ ટીમો, માછીમારો અને ઈમરજન્સી સેવાઓ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે બેભાન હાલતમાં મળેલા લોકોને સ્થળ પર જ CPR આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે બચાવ કામગીરી ઝડપી હોવા છતાં 15 ભારતીયોના જીવ બચાવી શકાયા નહોતા. હાલ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.




