ઈરાનની આક્રમક નીતિથી કૂટનીતિક સંકટ ઘેરાયું? કતાર અને પાકિસ્તાન સાથેના સંબંધોમાં વધ્યો તણાવ


ઈરાનની આક્રમક નીતિથી કૂટનીતિક સંકટ ઘેરાયું? કતાર અને પાકિસ્તાન સાથેના સંબંધોમાં વધ્યો તણાવ


નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાનની આક્રમક વ્યૂહરચના હવે માત્ર તેના પરંપરાગત વિરોધીઓ સુધી મર્યાદિત રહી નથી. રાજકીય અને વ્યૂહાત્મક નિષ્ણાતોના મતે, ઈરાનના તાજેતરના પગલાંઓના કારણે કતર અને પાકિસ્તાન જેવા દેશો પણ મુશ્કેલીમાં મુકાયા છે, જેઓ અત્યાર સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે સંવાદનું મહત્વનું માધ્યમ રહ્યા હતા.

ખાડી દેશ કતર લાંબા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે કૂટનીતિક સંવાદ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું આવ્યું છે. જોકે, તાજેતરના સંઘર્ષ દરમિયાન કતરના વિસ્તારમાં ઈરાન તરફથી મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. દોહાએ આ હુમલાઓને પોતાની સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવ્યો છે, જ્યારે તેહરાનનું કહેવું છે કે તેમનું નિશાન માત્ર અમેરિકાના સૈન્ય મથકો હતા. બીજી તરફ, પાકિસ્તાન માટે પણ પરિસ્થિતિ વધુ જટિલ બની રહી છે. પાકિસ્તાને છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યમનના હૂતી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયા પર હુમલાઓ વધતા પાકિસ્તાન પર દબાણ વધી રહ્યું છે.

પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે લાંબા સમયથી મજબૂત રક્ષણાત્મક સંબંધો છે. જો ભવિષ્યમાં સાઉદી અરેબિયા સીધો સંઘર્ષમાં ખેંચાય તો પાકિસ્તાન માટે તટસ્થ રહેવું મુશ્કેલ બની શકે છે. પાકિસ્તાનના નેતૃત્વે પણ સ્પષ્ટ કર્યું છે કે સાઉદી અરેબિયાની સુરક્ષા તેમના માટે મહત્વપૂર્ણ છે અને તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે.
નિષ્ણાતોના મતે ઈરાન સમગ્ર ખાડી ક્ષેત્રને એવો સંદેશ આપવા માંગે છે કે તેના વિરુદ્ધ કોઈપણ સૈન્ય કાર્યવાહીનો પ્રભાવ માત્ર અમેરિકા અથવા ઇઝરાયેલ પૂરતો નહીં રહે. હોર્મુઝ જળમાર્ગ પર પોતાની વ્યૂહાત્મક પકડ મજબૂત બનાવવાનો પ્રયાસ પણ આ જ રણનીતિનો ભાગ માનવામાં આવે છે. પરંતુ વ્યૂહાત્મક વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે સૈન્ય દબાણ વધારવાની નીતિ ઈરાન માટે કૂટનીતિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો મધ્યસ્થી દેશો પણ ઈરાનથી દૂર થવા લાગે તો ભવિષ્યમાં સંવાદના માર્ગ વધુ સંકુચિત બની શકે છે અને સમગ્ર પશ્ચિમ એશિયામાં અસ્થિરતા વધુ વધી શકે છે.




